ગીર સોમનાથઃ જિલ્લાના ઉના તાલુકાના તડ ગામે SSC બોર્ડના પરિક્ષા કેન્દ્ર પરથી ડમી પરિક્ષાર્થીને પકડી પાડવામાં આવ્યો હતો. મળતી વિગતો મુજબ, ધોરણ 10ના સામાજીક વિજ્ઞાનનું પેપર લખતી વખતે સ્કોવોડ તપાસ સમયે રિસીપ ચેક કરતા શંકા થઈ હતી. આ કારણે સ્ક્વોડના ચેકરોએ વધુ તપાસ કરતા, આ રિસીપ બોગસ હોવાનું માલુમ પડ્યું હતું.
પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલા ડમી પરિક્ષાર્થી ઉના તાલુકાના દેલવાડા ગામનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. તેની પાસે રહેલી પરિક્ષાની હોલ ટિકિટમાં ફોટો અને બનાવટી સહી સિક્કા કરેલા જણાતા શિક્ષણ વિભાગ દ્વારા નવાબંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
નવાબંદર પોલીસ દ્વારા આ ડમી પરિક્ષાર્થીની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જેમાં આ ડમી હોલ ટિકિટ કઈ રીતે અને ક્યાંથી બનાવી તેમજ આવી અન્ય હોલ ટિકિટ બનાવવામાં આવેલી છે, કે કેમ તેવા પ્રશ્નોના જવાબ મેળવવા જરૂરી બન્યા છે. આ ગુનામાં તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલો છે કે, કેમ તે જાણવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.