સોમનાથ: પવિત્ર શ્રાવણ માસ તેના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે. પર્યટન સ્થળ એવા દિવમાં પર્યટન માટે આવતા યાત્રિકો સમુદ્ર કિનારે પાંડવો દ્વારા સ્થાપિત ગંગેશ્વર મહાદેવના દર્શન કરીને ભાવવિભોર બની જાય છે. દિવના જાલંધર વિસ્તારમાં આવેલા શિવ મંદિર ભક્તોમાં ખૂબ મોટી આસ્થાનું કેન્દ્ર પણ આદિ અનાદિ કાળથી બની રહ્યું છે. ગંગેશ્વર મહાદેવ પર ખુદ મેરામણ દિવસ દરમિયાન પોતાના જળથી સતત અભિષેક કરે છે.
ભારે આસ્થાનું કેન્દ્ર: મહાભારત કાળમાં પાંડવો દ્વારા સ્થાપવામાં આવેલા શિવલિંગ સમગ્ર ભારત વર્ષમાં અનેક ધાર્મિક સ્થળો પર જોવા મળે છે. પરંતુ દીવમાં પાંડવો દ્વારા સ્થપાયેલું ગંગેશ્વર મહાદેવ મંદિર સમગ્ર વિશ્વમાં અતિ દુર્લભ માનવામાં આવે છે. ગંગેશ્વર મહાદેવ પર ખુદ મેરામણ દિવસ દરમિયાન પોતાના જળથી સતત અભિષેક કરે છે. મેરામણ દ્વારા મહાદેવ પર આ પ્રકારનો જળનો અભિષેક થતો હોય તેવા શિવ મંદિર ભારત વર્ષમાં જોવા મળતા નથી. જેને કારણે પણ દીવમાં આવેલું ગંગેશ્વર મહાદેવ મંદિર શિવ ભક્તોમાં ભારે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે.
પાંડવો દ્વારા સ્થાપિત ગંગેશ્વર મહાદેવ: મહાભારત કાળ દરમિયાન પાંડવો સતત વિચરણ કરી રહ્યા હતા. આ સમય દરમિયાન પ્રભાસ તીર્થ ક્ષેત્રનો એક ભાગ ગણાતા જાલંધર ક્ષેત્રમાં પાંડવોએ રાતવાસો કર્યો હતો. તેવું સનાતન હિંદુ ધર્મ સંસ્કૃતિના ગ્રંથોમાં ઉલ્લેખ જોવા મળે છે. પાંડવોની પ્રતિજ્ઞા મુજબ મહાદેવની પૂજા અને દર્શન કર્યા વગર ભોજન ગ્રહણ નહીં કરવાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે પાંચ પાંડવોએ પોતાના કદ અને આયુ અનુસાર પાંચ શિવલીંગની સ્થાપના કરી હતી. ત્યારથી દીવના સમુદ્રકાંઠા પર આવેલા ગંગેશ્વર મહાદેવ સમગ્ર જગતમાં પૂજાઈ રહ્યા છે. શ્રાવણ માસમાં એક સાથે પાંચ શિવલિંગનો અભિષેક કરવાનું જે અહોભાગ્ય શિવ ભક્તોને દીવના ગંગેશ્વર મહાદેવ આપી રહ્યા છે. તેને કારણે દિવના ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે દેશ અને દુનિયામાંથી શિવ ભક્તો દીવ આવે છે. દુર્લભ ગણાતા શિવ મંદિરના દર્શન કરીને શ્રાવણ માસ દરમિયાન શિવમય બનતા જોવા મળી રહ્યા છે.