ગીર સોમનાથઃ વિઠ્ઠલપુર ગામ દ્વારા કોડીનાર પોલીસ સ્ટેશનમાં ડિસઈન્ફેક્શન મશીન અર્પણ કરવામાં આવ્યું હતું. કોડીનાર પોલીસ સ્ટેશનમાં આવતા સ્ટાફ અને અન્ય લોકો આ મશીનમાં થોડી પળો ઉભા રહી ડિસઈન્ફેકટ થઈ શકે છે. આવી રીતે વિઠ્ઠલપુર ગામ પંચાયત સેવાકીય પ્રવૃતિ કરી રહ્યું છે.
ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાઈરસના સંક્રમણના કારણે લોકડાઉનની સ્થિતિ છે. કોરોના સંક્રમણને અટકાવવા સરકાર દ્રારા જરૂરી પગલા લેવાઈ રહ્યાં છે. કોડીનાર પોલીસ સ્ટેશનમાં સ્ટાફ તેમજ લોકોની અવર જવર માટે કોરોના વાઈરસ સામે રક્ષણ મળે તે હેતુસર વિઠ્ઠલપુર ગ્રામ પંચાયતના સરપંચ પ્રતાપભાઈ મહિડા દ્રારા કોડીનાર પોલીસ સ્ટેશનમાં ડિસઈન્ફેકશન મશીન મુકવામાં આવ્યું છે.
વિઠ્ઠલપુર ગ્રામ પંચાયત દ્રારા ડિસઈન્ફેકશન મશીનના લોકાર્પણ પ્રસંગે વિઠ્ઠલપુર ગ્રામપંચાયતના સભ્યો, સરપંચ પ્રતાપભાઈ મહિડા, પોલીસ ઈન્સ્પેકટર ભરવાડ સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.