- તાલાલામાં સરકારની ગ્રાન્ટનો મનસ્વી રીતેે ઉફયોગ કરવા બદલ 4 સરપંચો સામે કાર્યવાહી
- ઘાવા ગીરના સરપંચને સસ્પેન્ડ કરાયા
- અન્ય સરપંચો પાસેથી વ્યાજ સહિત રકમ વસુલવાનો હુકમ
તાલાલાઃ ગીર સોમનાથ જીલ્લાના તાલાલા પંથકની ઘાવા ગીર, ઉમરેઠી ગીર, મંડોરણા ગીર અને ઘણેજ (બકુલા) ગામ પંચાયતના સરપંચોએ નીતિ નિયમોનો ભંગ કરી સરકારી ગ્રાન્ટનો દુરપયોગ કર્યો છે. સરપંચોના આ ભ્રષ્ટાચાર બદલ જીલ્લા વિકાસ અધિકારી ઘર્મેન્દ્રસિંહે ઘાવા ગીરના મહિલા સરપંચને પદ ઉપરથી દુર કર્યા છે. જ્યારે અન્ય ત્રણ ઉમરેઠી ગીર, મંડોરણા ગીર અને ઘણેજ (બાકુલા)ના સરપંચો પાસેથી વાપરેલી સરકારી ગ્રાંટની 20 ટકા રકમ વ્યાજ અને પેનલ્ટી સાથે વસુલાત કરવા હુકમ કર્યો છે.
ઘાવા ગીરના સરપંચને સસ્પેન્ડ કરાયા
ઘાવા ગીરના મહિલા સરપંચને સરકારી ગ્રાન્ટનો મનફાવે તેમ ઉપયોગ કર્યો હતો. જેને કારણે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.તાલાલા તાલુકા પંચાયતમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઘાવા ગીર ગ્રામ પંચાયતને વર્ષ 2018-19 ના નાણાંકીય વર્ષ દરમિયાન ફાળવવામાં આવેલી વિવિધ સરકારી ગ્રાન્ટના નાણાનો ઉપયોગ નિયમોનુસાર કરવાના બદલે નિયમોનો ભંગ કરી મનસ્વી રીતે વહીવટ કરવા બદલ ઘાવા ગીર ગ્રામ પંચાયતના સરપંચ લાભુબેન કમલેશભાઇ શિયાળને તાત્કાલિક અસરથી સરપંચના હોદા પરથી દુર કરવાનો હુકમ જીલ્લા વિકસા અધિકારીએ કર્યો છે. જ્યારે ઉમરેઠી, મંડોરણા અને ઘણેજ (બાકુલા)ના સરપંચો પાસેથી સરકારી ગ્રાંન્ટની વ્યાજ અને પેન્લટી સાથે રકમ વસુલાત માગી છે.
આ ઉપરાંત ઉમરેઠી ગીર, મંડોરણા ગીર અને ઘણેજ (બાકુલા) ગ્રામ પંચાયતને ગામના પ્રજા ઉપયોગી વિકાસની કામગીરી માટે સરકારે ફાળવેલી વિવિધ યોજનાની ગ્રાન્ટના નાણાંનો ઉપયોગ નિયમોની ઐસી તૈસી કરી ફરજ પ્રત્યે ઉદાસીનતા રાખવા બદલ સરકારી ગ્રાન્ટની 20 ટકા રકમ વ્યાજ અને પેનલ્ટી સાથે વસુલાત કરવા હુકમ કર્યો છે. જેમાં મંડોરણા ગીરના સરપંચ જયોત્સનાબેન રતિલાલ કિકાણી પાસેથી રૂપિયા 4,04,020 ઉપરાંત વ્યાજ તથા ઉમરેઠી ગીરના સરપંચ ભાનુબેન કાનાભાઇ ઘામણચોટીયા પાસેથી રૂપિયા 5,54,280 વ્યાજ સાથે જયારે ઘણેજ (બાકુલા)ના સરપંચ દેવાયતભાઇ બાલુભાઇ કરગઠીયા પાસેથી રૂપિયા 50,230 વ્યાજ સાથે વસુલાત કરવા આદેશ કર્યો છે. જે ગામના સરપંચોએ સરકારી ગ્રાન્ટના નાણાં જે દિવસે ઉપાડયા હોય તે તારીખથી વસુલાતની રકમ ભરપાઇ થાય નહીં ત્યાં સુધીનું થતું વ્યાજ તથા પેનલ્ટીની રકમ તા.31 માર્ચ 2021 સુધીમાં જમા કરાવા ગીર સોમનાથ જીલ્લા વિકાસ અઘિકારીએ તેમના હુકમમાં આખરી મુદત આપી છે.