- ગ્રામજનોને રૂબરૂ મળી વાવાઝોડથી થયેલી નુકસાની અને હાલ પડી રહેલી મુશ્કેલીની વિગતો જાણી
- મુલાકાત વેળાએ પાટીલે ખેડૂતોને ખેતીમાં આધુનીકરણ કરી ખેતી કરવા અપીલ કરી
- અસરગ્રસ્ત તમામ લોકોને સહાય મળી રહે તેવી રાજ્ય સરકારની નેમ
ગીર સોમનાથ : તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા- ઉના પંથકની મુલાકાતે આજે બુધવારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પહોચ્યા હતા. તેમણે પ્રથમ ગીર ગઢડા તાલુકાના અંબાળા ગામે જઇને ગ્રામજનો પાસેથી મુશ્કેલી અને નુકસાનીની વિગતો જાણી તેનો ઝડપી ઉકેલ લાવવા ધારણા આપી હતી. ખેડૂતોને આજે મોકો મળ્યો છે, ત્યારે ખેડૂતો ખેતીમાં થોડુ ઘણુ આધુનીકરણ કરી ખેતી કરે તે માટે મુલાકાત વેળાએ પ્રમુખ પાટીલે ઘણા ખેડૂત ભાઇઓને અપીલ કરી હતી. આ મુલાકાત વેળાએ પ્રમુખ પાટીલ સાથે સાંસદ, પ્રદેશ- જિલ્લા સંગઠનના હોદ્દેદારો સહિતના હાજર રહ્યા હતા.
સી.આર.પાટીલ હવાઇમાર્ગે દીવ એરપોર્ટ ખાતે ઉતરી કાર મારફતે અંબાળા ગામે પહોંચ્યા
વાવાઝોડાથી પ્રભાવિત થયેલા વિસ્તારની મુખ્ય પ્રધાન અને મંત્રીઓ મુલાકાત કરી ગયા બાદ આજે બુધવારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ આવી પહોચ્યાં હતા. તેઓ હવાઇમાર્ગે દીવ એરપોર્ટ ખાતે ઉતરી કાર મારફતે પ્રથમ સીધા અસરગ્રસ્ત ગીર ગઢડા તાલુકાના અંબાળા ગામે પહોંચ્યા હતા. જ્યાં ગ્રામજનો સાથે મુલાકાત કરી વાવાઝોડાના કારણે થયેલી નુકસાનીની અને હાલ લોકોને પડી રહેલી મુશ્કેલીની વિગતો જાણી હતી. જે બાદ અસરગ્રસ્ત વિસ્તારના રસ્તામાં આવતા ગામોની પણ મુલાકાત લઇને ઉના જવા રવાના થયા હતા. જ્યાં જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરી હતી.
આ પણ વાંચો : ઉપલેટા પંથકમાં તૌકતે વાવાઝોડાને કારણે કેળની ખેતી કરતા ખેડૂતોની બેઠી માઠી દશા
રાજ્ય સરકાર દ્રારા વ્યાપક પ્રમાણમાં સર્વેની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે
આ મુલાકાત અંગે પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આવું ભયાનક વાવાઝોડુ વર્ષો બાદ આવ્યું છે. જોકે વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાને લઇ કેન્દ્રની મોદી સરકારના માર્ગદર્શનથી રાજ્ય સરકારએ સર્તકતાના ભાગરૂપે સમયસર લીધેલા પગલાઓના કારણે ઘણું નુકસાન થતુ અટકાવી શક્યાં છે. તેમ છતાં પણ ઘણા તાલુકાઓમાં ખેતી, માછીમારી સાથે લોકોના રહેણાંક મકાનો- ઢોરઢાંખરોને વ્યાપક નુકસાન થયુ છે, ત્યારે વાવાઝોડાના કારણે લોકોને જે કંઇ નુકસાન થયુ છે તે માટે રાજ્ય સરકાર દ્રારા વ્યાપક પ્રમાણમાં સર્વેની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. જેમાં કોઇ અસરગ્રસ્ત રહી જશે તો ફરી સર્વે કરાવી તેનો સમાવેશ કરાવી રાહત આપવાની રાજ્ય સરકારની નેમ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને રાહત આપવા માટે ઘણા કિસ્સાઓમાં સર્વેની કામગીરી બાદ સહાય ચુકવવાનું શરૂ પણ કરી દેવાયું છે.
આ પણ વાંચો : રાજકોટ ગૃહીણી માટે માઠા સમાચાર, શાકભાજીના ભાવમાં થયો બમણો વધારો
આધુનિક ખેતી કરવા ખેડૂતોને આવાહ્ન કર્યુ
ગ્રામજનોની મુશ્કેલી અંગે પ્રમુખ સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, વાવાઝોડાના કારણે સામાન્ય ખેતીમાં અને અને બાગાયતમાં થયેલું નુકસાન લાંબા ગાળાનું નુકસાન હોય છે. જેથી ખેડૂતોને પુરતી મદદ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના રાહત પેકેજમાં આ મુદ્દો સમાવી તેના પર વિચારણા કરી સહાય જાહેર થાય તે માટે રાજ્ય સરકારને ધ્યાન દોરતી રજૂઆત કરાશે. ખેડૂતોને આજે મોકો મળ્યો છે, ત્યારે ખેડૂતો ખેતીમાં થોડુ ઘણુ આધુનીકરણ કરી ખેતી કરવા અપીલ કરી હતી. આધુનિક ખેતી કરવાથી બે વર્ષમાં અસરગ્રસ્ત ખેડૂતો ફરી પાક લેતા થઇ જશે. જેથી આધુનિક ખેતી કરવા ખેડૂતોને આવાહ્ન કર્યુ હતું.