- સગીરાના પરિવારે મૃતક યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી
- પોલીસે અપહરણની ફરિયાદ નોંધી હતી, બન્ને વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાની પણ આશંકા
- પોલીસે બન્ને મૃતદેહને ઉતારી પોસ્ટમોર્ટમ માટે ખસેડયા
- આંબાના બગીચામાં વૃક્ષ પર લટકતી હાલતમાં મૃતદેહો મળી આવ્યા
ગીર સોમનાથ: તાલાલાની હિરણ નદીના કાંઠે મનસુખભાઇ શંભુભાઇ પાનસુરીયાનો આંબાનો બગીચો આવેલ છે. તે બગીચાના માલીક મનસુખભાઇ સવારે 8 વાગ્યે ગયા હતા જયાં મકાન પાસેના આંબાની એક ડાળમાં એક સગીર અને એક ડાળમાં યુવકનો મૃતદેહ ગળાફાંસો ખાઘેલ હાલતમાં જોવા મળ્યો હતો. જેથી તેમણે તુરંત સામાજીક આગેવાન વજુભાઇ ડોબરીયાને જાણ કરતા તેમણે પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ઘરી હતી.
મૃતકોની પોલીસે ઓળખ તપાસ હાથ ધરી
ત્યારબાદ પોલીસે પોરબંદરથી FSLની ટીમને બોલાવી જરૂરી તપાસ કર્યા બાદ આંબાની ડાળ પરથી બંનેના મૃતદેહોને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે મોકલેલ હતી. પોલીસની પ્રામથિક તપાસમાં મૃતક યુવક રહીમ યુસુફ ઉર્ફે બાલુ જીવા રાઠોડ (ઉ.વ.26) બે સંતાનનો પિતા અને તેની સાથે સગીર હોવાનું જાણવા મળેલ હતુ. જેના આઘારે પોલીસે વઘુ તપાસ શરૂ કરી છે.
સગીરાના અપહરણ અંગે યુવક વિરુદ્ધ ગુનો નોંધાયેલ
સમગ્ર ઘટના અંગે પોલીસમાંથી જાણવા મળેલ વિગત મુજબ, સગીરા ઘરેથી લાપતા બની હતી અને શોઘખોળ દરમિયાન ન મળવાથી સગીરાના પરિવાર દ્વારા સગીરા ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. સગીરાના પરીવારે જે યુવક પર શંકા દર્શાવેલ તે પણ લાપતા હતો. જેથી સગીરાને પરીવારજનો નાથાભાઇ પાચાભાઇ કોડીયાતરએ રહીમ બાબુભાઇ રાઠોડ સામે ફરીયાદ નોંઘાવી હતી. જેમાં જણાવેલ કે, રહીમ તેમની સગીરને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે તેમના વાલીપણામાંથી લઇ જઇ અપહરણ કરી ગયો છે. જેના આઘારે પોલીસે રહીમ બાબુ રાઠોડ સામે IPC કલમ 363, 366 મુજબ ગુનો નોંઘી વઘુ તપાસ હાથ ઘરી હોવાનું પોલીસે જણાવેલ છે.