- કોડીનાર-મૂળદ્વારકા રોડ પર છકડો રીક્ષા પલટી
- શ્વાન આડે આવતા રીક્ષાચાલકે સ્ટેરિંગ પરથી ગુમાવ્યો કાબૂ
- છકડો રીક્ષા પલટતાં સવાર મહિલાનું મોત નીપજ્યું
ગીરસોમનાથઃ પોલીસમાંથી અકસ્માતની પ્રાપ્ત વિગતોનુસાર જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે રહેતાં વનીતાબહેન જાદવને તેમના માવતર કોડીનાર તાલુકાના વડનગર ગામે જવું હોવાથી છકડો રીક્ષામાં જવા નીકળ્યાં હતાં. રસ્તામાં છકડો રીક્ષા કોડીનાર-મુળદ્રારકા રોડ પર શ્રદ્ધા મારબલ પાસે પહોચ્યો ત્યારે ચાલકે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતાં છકડો રીક્ષા પલટી ખાઇ ગઇ હતી. ત્યારે રીક્ષામાં સવાર બે મહિલા અને ચાલકને ઇજા પહોંચતાં રાહદારીઓએ તાત્કાલિક સારવાર અર્થે કોડીનારની હોસ્પિટલે ખસેડલાં હતાં. જયાં ફરજ પરના તબીબે વનીતાબહેન જાદવને મૃત જાહેર કર્યાં હતાં. જયારે તેમની સાથે રીક્ષામાં બેઠેલાં ઘેલીબહેન રાજાભાઇ ઘામળેજવાળા તથા ચાલક મહેશ રાણાભાઇને ઇજાઓ થઇ હોવાથી સારવાર આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ઉના-કોડીનાર નેશનલ હાઇવે પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત, 1નું મોત
- સીસીટીવીમાં કેદ થયાં અકસ્માતના દ્રશ્ય
આ અકસ્માતની ઘટના અંગે મૃતકના પતિ જીતુભાઇ જાદવે રીક્ષા નં.જીજે 10 વી 728ના ચાલક મહેશભાઇ જાદવ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વધુ ગુનો નોંઘી તપાસ હાથ ઘરી છે. આ અકસ્માતની સમગ્ર ઘટના અકસ્માતના સ્થળ પાસે આવેલી એક દુકાનના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. જેમાં ક્ષણભરની મિનીટોમાં છકડો રીક્ષા એકાએક પલટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હોવાનું જોઇ શકાય છે. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં રોડ પરથી પસાર થતી છકડા રીક્ષાના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં રીક્ષા પલટી ખાઇ ગયાના દ્રશ્યો જોવા મળ્યાં હતાં.