- રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ મોટાપાયે રાહતની કામગીરી શરૂ
- નગરપાલિકાના મુખ્યમાર્ગો પરથી ઝાડ હટાવી દેવાયા
- ટૂટી ગયેલી ડાળીઓને કટિંગ કરવાની 90 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ
ગીર-સોમનાથ : તૌકતે વાવાઝોડાથી ગીર-સોમનાથ જિલ્લાના પ્રભાવિત થયેલા ઉના શહેરમાં જનસેવાને પુર્વવ્રત કરવા માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ મોટાપાયે રાહતની કામગીરી સાથે શહેરમાં ઉડીને આવેલા કાટમાળ ઝાડની ડાળીઓ તેમજ કચરો સાફ કરવા માટે યુધ્ધના ધોરણે કામગીરી ચાલુ છે.
500 કર્મયોગીઓ ઉનાને ચોખ્ખુ કરવા માટે દિવસ-રાત સેવાયજ્ઞ ચલાવી રહ્યા
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉનાની મુલાકાત દરમિયાન આપેલી સુચના મુજબ ઉનામાં રાજકોટ, જામનગર, અને જૂનાગઢની નગરપાલિકા અને મહાનગરપાલિકાના કુલ 174 અને ઉના નગરપાલિકાના 166 અને NDRF તેમજ SDRFના 116 જવાનો સહિત કુલ 500 કર્મયોગીઓ ઉનાને ચોખ્ખુ કરવા માટે દિવસ-રાત સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે.
આ પણ વાંચો : તૌકતે વાવાઝોડાને પગલે બંધ થયેલા 183 રસ્તાઓને એક જ દિવસમાં પૂર્વવત કરાયા
નગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રએ મીશન મોડમાં કામગીરી શરૂ કરી
ઉનાના ચીફ ઓફિસરશ્રી જે. જે. ચૈાહાણે જણાવ્યું હતું કે, ઉનાના 9 વોર્ડમાં રહેતા 65 હજાર લોકોને તૌકતે વાવાઝોડાની અસરને લીધે ઉભી થયેલી મુશ્કેલીમાંથી બહાર કાઢવા ઉના નગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રએ મીશન મોડમાં કામગીરી શરૂ કરી છે.
ઉનાના માર્ગો ઉપર JCB અને ટ્રેકટરો અને કટર દ્વારા સફાઇ થઇ રહી
નગરપાલિકાના મુખ્યમાર્ગો પરથી ઝાડ હટાવી દેવાયા છે અને આંતરિક રસ્તા અને વિસ્તારોને સાફ કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી ગણતરીના દિવસોમાં જ પુરી થઇ જશે. ઉનામાં અત્યારે રાજકોટથી 84 કર્મચારી, 2 JCB અને 2 ડમ્પર, સાથે જામનગરથી 60 કર્મચારીઓ તેમજ જૂનાગઢથી 30 કર્મચારીઓ સફાઇ કાર્ય માટે આવ્યા છે. ઉનાના માર્ગો ઉપર JCB અને ટ્રેકટરો અને કટર દ્વારા સફાઇ થઇ રહી છે.
અડચણરૂપ નમી ગયેલી અને ટૂટી ગયેલી ડાળીઓના કટિંગની 90 ટકા કામગીરી પૂર્ણ
ઉનાની કચેરીઓમાં પણ સાફ-સફાઇ ચાલુ છે. ઉનામાં 10 JCB, 1 લોડર, 10 ડમ્પર, 21 ટ્રેક્ટર, કટર કામ કરી રહ્યા છે. અડચણરૂપ ઝાડની નમી ગયેલી અને ટૂટી ગયેલી ડાળીઓને કટિંગ કરવાની 90 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. આંતરિક વિસ્તારોના સમગ્ર વોર્ડ, શહેરી-ગલ્લીઓ સાફ કરવામાં આવી રહ્યા છે. જેમા રાધાકૃષ્ણ સોસાયટી, વિદ્યાનગર, તુલસી શ્યામ, શિક્ષક સોસાયટી, દયાનંદ સોસાયટી, સ્ટેશન પ્લોટ વિસ્તારમાં સફાઇ પુર્ણતાને આરે છે.