PSI દ્વારા આત્મહત્યા પહેલા લખાયેલી સુસાઈડ નોટમાં DYSPના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમ છતાં હજુ પણ DYSP સામે કોઈ પણ જાતની કાર્યવાહી ન કરાઈ હોવાનો આક્ષેપ સાથે મૃતક PSIના પત્ની ગીતાબા જાડેજા આજે સચિવાલય ખાતે પહોંચ્યા હતા. તેઓ રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. પરંતુ તેઓ સચિવાલયમાં પ્રવેશ લે તે પહેલાં જ તેમને બ્લેક લીસ્ટ કરવામાં આવ્યા હતા.
મૃતક PSI દેવેન્દ્રસિંહ જાડેજાના પત્ની ગીતાબા જાડેજાએ આક્ષેપ કર્યો છે કે, અધિકારીઓ દ્વારા મારા પતિને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. જેના કારણે આત્મહત્યા કરી હોવા છતાં પોલીસે આ મુદ્દે કોઈ કાર્યવાહી કરી નથી. આ મુદ્દે મૃતક PSIના પત્નીએ આત્મહત્યાની ચિમકી ઉચ્ચારી હતી. જેના પગલે નવા સચિવાલયની બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ સાથે જ સચિવાલયના ગેટ નંબર 4 પાસે ફાયરની ટીમ સહિત એમ્બ્યુિલન્સ પણ હાજર રાખવામાં આવી હતી.
ગીતાબા જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, આત્મહત્યા કરવાની ચિમકી આપી હતી એટલે પોલીસ કામગીરીમાં જોતરાઈ છે. પોલીસવાળા ગભરાય કેમ છે તેની ખબર પડતી નથી. રાજ્ય સરકાર દ્વારા DYSPને બચાવવામાં આવી રહ્યાં હોવાના આક્ષેપ પણ તેઓએ કર્યા છે. પોતાને સચિવાલયમાં બ્લેક લીસ્ટ કરવા બાબતે તેમણે કહ્યું હતું કે, તેઓ મને આતંકવાદી સમજે છે અને સાચા ગુનેગારોને પકડતા નથી.