ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 20 વર્ષમાં નવ વખત ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ ગુજરાતમાં આવીને પોતાનો બિઝનેસ શરૂ કરી છે. પરંતુ સ્કિલ એમ્પ્લોયમેન્ટના કારણે અનેક બિઝનેસ અને એમઓયુ ફક્ત કાગળિયા ઉપર જ રહ્યા હોવાના કારણો સામે આવ્યા હતા. ત્યારે હવે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024 ને લઈને રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ગુજરાતના યુવાનો આંતરરાષ્ટ્રીય સ્તરના સ્કિલ એક્સપર્ટ બને તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રી વાઈબ્રન્ટ સમિટ : ગુજરાત સરકાર દ્વારા વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં સ્કીલને પણ વધુ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આજે શ્રમ અને રોજગાર વિભાગના અધિક સચિવ અંજુ શર્માએ જાહેરાત કરી હતી કે, ગુજરાતમાં પણ ટેકનોલોજી બેઝ અને સ્કીલની તમામ ઉદ્યોગોને જરૂરિયાત છે. જ્યારે આંતરરાષ્ટ્રીય લેવલે આવનાર દસ વર્ષમાં ઘણી બધી જોબનું સ્વરૂપ પણ બદલાઈ જશે. તેને ધ્યાનમાં લઈને જ જોબમાં કઈ રીતે બદલાવ લાવી શકાય તે બાબતે ખાસ પ્રી વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્કિલ ડેવલપમેન્ટ મુદ્દે ચર્ચા : ઉપરાંત ઇન્ડસ્ટ્રીઝ 4.0 ની ડિમાન્ડ પણ વધુ છે. ત્યારે આવવામાં ઉદ્યોગકારોને આમંત્રિત કરીને ઉદ્યોગોને કેવા સ્કીલ્ડ મેન પાવરની જરૂર છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. જ્યારે આ ચર્ચામાં ભારતના અને ગુજરાતના ઉદ્યોગપતિ સાથે જ જર્મન કન્સલ્ટન્સી સંસ્થા કે જે સ્કીલ બાબતે સમગ્ર વિશ્વમાં જાણીતી છે, તે પણ હાજર રહેશે. ઉપરાંત સિંગાપુરની સ્કિલ ડેવલપમેન્ટ સંસ્થા પણ હાજર રહેશે. આવનારા વર્ષોમાં કયા પ્રકારના મેન પાવરની જરૂર રહેશે અને ગુજરાતમાં સેમિકન્ડક્ટર કંપનીઓ ઉત્પાદન કરવા આવી રહી છે, ત્યારે તે વિષય પર પણ ખાસ ધ્યાન રાખીને નવા સ્કીલ એમ્પ્લોય પણ તૈયાર કરવામાં આવશે.
ગુજરાતમાં બનશે 41 મેગા ITI : શ્રમ અને રોજગાર વિભાગના અધિક સચિવ અંજુ શર્માએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ભવિષ્યના ઇન્ડસ્ટ્રીઝ 4.0 ને ધ્યાનમાં રાખીને ગુજરાતના યુવાનો આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્કિલ પ્રાપ્ત કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં કુલ 41 મેગા ITI શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ ખાતે કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી કાર્યરત કરવામાં આવી છે. જેમાં યુવાઓને ભવિષ્યમાં કામમાં આવે એવા 90 જેટલા કોર્સ શરૂ કરવામાં આવ્યા છે.
વિશેષ સ્કિલ્ડ કોર્સ : અંજુ શર્માએ વધુમાં કહ્યું કે, આ અંતર્ગત ક્લાઉડ કોમ્પ્યુટિંગ, બ્લોક ચેન, એડવાન્સ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ, અર્બન ફાર્મિંગ, ડ્રોન પ્રોડક્શન અને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સના કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝને સ્કીલ્ડ મેન પાવર મળે તે માટેનું આયોજન છે. ભવિષ્યલક્ષી યોજનામાં ફાયદાને ધ્યાને રાખી કોર્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત યુવાઓને ટ્રેઇન કરતા પહેલા રાજ્ય સરકાર દ્વારા ટ્રેનરોને પણ ટ્રેઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
દેશની પૂંજી-યુવા : શ્રમ અને રોજગાર વિભાગના અધિક સચિવ અંજુ શર્માએ જણાવ્યું હતું કે, ભારત દેશમાં હાલ એવરેજ પોપ્યુલેશન 28 થી 29 વર્ષ સુધીની છે, જેમાં સૌથી વધુ પ્રમાણમાં યુવાનો છે. ત્યારે દેશના યુવાનોને સ્કીલ મારફતે ખાસ એક્સપર્ટ તરીકે તૈયાર કરવામાં આવશે. જેથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાત અને દેશનું નામ રોશન થઈ શકે. આ ઉપરાંત ગુજરાતના યુવાનોને પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વધુ રોજગાર પ્રાપ્ત થાય તે રીતે 41 જેટલી મેગા ITI તૈયાર કરીને વિદેશમાં ઉપયોગી થાય તેવું શિક્ષણ આપવામાં આવશે. જ્યારે મેગા ITI માં અલગ અલગ સેક્ટરના અમુક ચોક્કસ પ્રકારના સ્કીલની તાલીમ આપવામાં આવશે.