ગાંધીનગર : વર્ષ 2024 માં યોજનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સમગ્ર દેશ સહિત વિશ્વભરના પ્રતિનિધિ અને ઉદ્યોગપતિઓને સામેલ થવાની હાકલ અંતર્ગત વાઈબ્રન્ટ સમિટ રોડ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે 12 ડિસેમ્બરના રોજ ઈન્દોરમાં રાજ્ય શિક્ષણપ્રધાન ડો. કુબેર ડિંડોરના નેતૃત્વમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.
ઈન્દોરમાં VGGS રોડ શો : વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ના ભાગરૂપે ગુજરાતની ઔદ્યોગિક અને ઉત્પાદન ક્ષમતા દર્શાવવા માટે ગુજરાત સરકાર 12 ડિસેમ્બરે ઈન્દોરમાં રોડ શોનું આયોજન કરવા જઈ રહી છે. ગુજરાત સરકારના શિક્ષણપ્રધાન ડો. કુબેર ડીંડોર રોડ શોનું નેતૃત્વ કરશે અને ઈન્દોરમાં જાહેર સભાને સંબોધશે. આ કાર્યક્રમમાં રાજ્ય સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ભાનુબેન બાબરીયા પણ ઉપસ્થિત રહેશે.
ઉદ્યોગપતિઓ માટે અનેરો અવસર : FICCI-MP સ્ટેટ કાઉન્સિલના અધ્યક્ષ દિનેશ પાટીદારના સ્વાગત પ્રવચન સાથે રોડ શોની શરૂઆત થશે. ત્યારબાદ વાઈબ્રન્ટ ગુજરાત 2024, ધોલેરા SIR અને GIFT સિટી પર ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મ દર્શાવવામાં આવશે. ઉપરાંત ગુજરાત સરકારના ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના (GIDC) જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર ડો. નરેન્દ્ર કુમાર મીના ગુજરાતમાં બિઝનેસની તકો વિશે પ્રેઝન્ટેશન આપશે. રોડ શોનું સમાપન FICCI-MP સ્ટેટ કાઉન્સિલના પેનલ ઓન ટ્રેડ પ્રમોશનના ટ્રેડ યુનિયન કન્વીનર કુણાલ જ્ઞાની દ્વારા કરવામાં આવશે.
રાજ્ય સરકારની ઝુંબેશ : 10 મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને નવી દિલ્હીમાં કર્ટેન રેઈઝર ઈવેન્ટ બાદ અત્યાર સુધીમાં ગુજરાત સરકાર દ્વારા મુંબઈ, ચંદીગઢ, કોલકાતા, ચેન્નાઈ, લખનૌ, બેંગલુરુ અને ગુવાહાટીમાં રાષ્ટ્રીય કક્ષાના રોડ શો આયોજન કરવામાં આવ્યા છે. ઉપરાંત VGGS 2024 પ્રતિનિધિમંડળે જાપાન, જર્મની, ઇટાલી, ડેનમાર્ક, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, વિયેતનામ, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, UAE અને USAની પણ મુલાકાત લીધી છે.
વિવિધ ક્ષેત્રને મળશે મંચ : વાઈબ્રન્ટ ગુજરાત રોડ શો અને પ્રતિનિધિમંડળની મુલાકાતથી ગુજરાતમાં IT અને ITeS, સેમિકન્ડક્ટર, ઈલેક્ટ્રોનિક્સ, એરોસ્પેસ અને સંરક્ષણ, બાયોટેકનોલોજી અને પ્રવાસન જેવા વિવિધ ક્ષેત્રોમાં સહયોગ એક્સપ્લોર કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ કર્યું છે.
રોકાણોને આકર્ષવા રોડ શો : આ પ્રતિનિધિમંડળોનું લક્ષ્ય GIFT સિટી, ધોલેરા SIR અને બાયોટેક પાર્ક જેવા ફ્યુચરિસ્ટિક મેગા પ્રોજેક્ટમાં રોકાણ કરવા ઈન્વેસ્ટરર્સને આકર્ષવાનું છે. આ રોડ શોએ ઉદ્યોગ અને વ્યાપારી અગ્રણીઓ સાથે ચર્ચા કરવા માટે અને આગામી જાન્યુઆરી 2024 માં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં તેમને આમંત્રિત કરવા માટે એક પ્લેટફોર્મ પણ પૂરું પાડ્યું છે.