ગાંધીનગર: વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ દેશનું સર્વપ્રથમ શાળા શિક્ષણ માટેનું રીયલ ટાઈમ, ઓન લાઈન સર્વગ્રાહી મોનિટરીંગ માટેનું કેન્દ્ર છે. આ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં દર વર્ષે લગભગ 500 કરોડ કરતાં વધારે ડેટા સેટનું એકત્રિકરણ થાય છે. બિગ ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખૂબ મોટા ડેટાનું એનાલિસિસ કરવામાં આવે છે.
વિદ્યા સમીક્ષા કેન્દ્રની ખાસિયતો: ગુજરાતનું અનોખું વિદ્યા સમીક્ષા કેન્દ્ર 54,000 શાળાઓ, 4 લાખ શિક્ષકો અને 1.15 કરોડ વિદ્યાર્થીઓને આવરી લે છે. આ કેન્દ્રએ ગુજરાતની શિક્ષણ પ્રણાલીમાં આમૂલ પરિવર્તન આણ્યું છે. વર્ષ 2019માં આરંભ કરાયેલા વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં 50 શિક્ષકો દ્વારા વાર્ષિક 500 કરોડ ડેટા સેટનું વિશ્લેષણ કરવામાં આવે છે. AI અને મશીન લર્નિંગની મદદથી ઓનલાઈન એટેડન્સથી માંડીને એસેસમેન્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.
RTE યોજના હેઠળ વિદ્યાર્થીઓને સહાય: ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માળખાના વિકાસ માટે 43,651 કરોડની માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. જેમાં સ્કૂલ ઓફ એક્સેલન્સ માટે 3109 કરોડ અને 400 જ્ઞાન સેતુ શાળાઓ માટે 64 કરોડનો સમાવેશ થાય છે. સરકારે RTE યોજના હેઠળ 20,000 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મદદ કરવાના હેતુથી વાઉચર સ્કીમ અંતર્ગત 50 કરોડની ફાળવણી કરી છે.
PM મોદીએ લીધી હતી મુલાકાત: ગત એપ્રિલ 2022 દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે વિદ્યા સમીક્ષા કેન્દ્રના કામગીરીની વિસ્તૃત માહિતી લીધી હતી અને શાળાઓ અને વિદ્યાર્થીઓ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને ડીજીટલ લર્નિગ વિશે લાઇવ ઓનલાઇન સંવાદ પણ કર્યો હતો.