- ગાંધીનગર સાંસદ અમિત શાહની કોરોના કહેરમાં લહાણી
- 10 કરોડના ખર્ચે વિવિધ આરોગ્ય વિભાગની સુવિધાઓ ઉભી કરી
- આરોગ્ય સુવિધાનો લાભ 8 લાખથી વધુ લોકોને મળશે
- કોવિડ મહામારી માટે યુદ્ધના ધોરણે 100 બાયપેપ મશીન અને 25 વેન્ટિલેટરની વ્યવસ્થા
ગાંધીનગર- કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કોરોનાકાળમાં ગુજરાતના પ્રવાસે છે અને ગુજરાતની પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જાય છે. ત્યારે શનિવારે અમિત શાહે ગાંધીનગરના કોલવડા ગામ પાસે આવેલી આયુર્વેદિક હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યુ હતુ. ત્યારબાદ ગાંધીનગરના મત વિસ્તારમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 10 કરોડના ખર્ચે વિવિધ આરોગ્ય સુવિધાનુ લોકાર્પણ કર્યુ હતુ. જેમાં ગાંધીનગરના સંસદીય મત વિસ્તારમાં કોવિડને અનુલક્ષીને અગ્રતાના ધોરણે 6 એમ્બ્યુલન્સ અને 2 ICU ઓન વ્હીલ્સ અને 2 મોબાઈલ લેબોરેટરીની સુવિધા પૂરી પાડવામાં આવી છે અને અમદાવાદ જિલ્લાના 160 ગામ અને ગાંધીનગર જિલ્લાના 100 ગામ અને સાણંદ, બાવળા, કલોલ અને ગાંધીનગર એમ 4 નગરપાલિકાના વિસ્તારની પ્રજાને આરોગ્યની સુવિધા પ્રાપ્ત થશે. જ્યારે કોવિડ મહામારી માટે યુદ્ધના ધોરણે 100 બાયપેપ મશીન અને 25 વેન્ટિલેટરની વ્યવસ્થા અને સોલા સિવિલ માટે 50 બાયપેપ મશીન અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ માટે 50 બાયપેપ મશીનની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ કેન્દ્રીય આરોગ્ય ટીમ સિવિલની કોવિડ સુવિધાઓ જોઇ અસંતુષ્ટ, બદલાવ કરવા કર્યા સૂચનો
ગાંધીનગરમાં ICU ઓન વ્હીલ્સની સુવિધા પૂરી પાડવામાં આવશે
કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખી પ્રજાને તાત્કાલિક હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સુગમતા રહે તે માટે બાવળા, સાણંદ, નાનોદરા, વિરોચનનગર,સનાથલ, સરઢવ અને સોલા સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગરમાં ICU ઓન વ્હીલ્સની સુવિધા પૂરી પાડવામાં આવશે.
અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ મશીનો ફાળવાયા
અમદાવાદના સાણંદ અને બાવળા વિસ્તારમાં 2 ડિજિટલ એક્સ-રે મશીન, 2 સોનોગ્રાફી કલર મશીન, 6 ઓક્સિજન કોન્સનટ્રેટ મશીન, 12 બાયનોક્યુલર માઈક્રોસ્કોપ, 2 ડિજિટલ એક્સ-રે મશીન અને ફિઝિયોથેરાપીના મશીનો ફાળવવામાં આવ્યા છે. ગાંધીનગરના વિસ્તારમાં 1 સોનોગ્રાફીક મશીન, 1 ફુલ્લી ઓટોમેટિક કેમેસ્ટ્રી એનેલાઈઝર, 1 લેપ્રોસ્કોપીક મશીન યુનિટ, 1 પોર્ટેબલ ઈ.સી.જી મશીન અને 1 ડેન્ટલ ડિજિટલ એક્સ રે મશીન ફાળવવામાં આવ્યા છે.
ડેન્ટલ ડિજિટલ એક્સ-રે મશીનનો પણ સમાવેશ કરાયો
નગરપાલિકાવાર કેન્દ્રીય ગૃહપ્રધાન શાહે ઉભી કરેલી આરોગ્ય સુવિધાઓ જોઈએ તો બાવળા, સાણંદ, નાનોદરા, વિરોચનનગર, સનાથલ અને સોલા સિવિલ અર્બન હેલ્થ સેન્ટર (યુ.એચ.સી.) માટે એમ્બ્યુલન્સ અને સાણંદ-બાવળા માટે મોબાઈલ લેબોરેટરી વાન, ડિજિટલ એક્સ-રે મશીન, કલર સોનોગ્રાફી મશીન, બાયનોક્યુલર માઈક્રોસ્કોપ અને ડેન્ટલ ડિજિટલ એક્સ-રે મશીનનો સમાવેશ થાય છે.
ડિજિટલ એક્સ-રે મશીનનો સમાવેશ કરાયો છે
સરઢવ માટે એમ્બ્યુલન્સ વાન, ગાંધીનગર માટે બ્લડ સેલ મોબાઈલ વાન અને ICU ઓન વ્હીલ્સ તથા કલોલ-ગાંધીનગર માટે બાયનોક્યુલર માઈક્રોસ્કોપ તેમજ કલોલ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) માટે સોનોગ્રાફી મશીન 3 ડી & 4 ડી, ફુલ્લી ઓટોમેટિક કેમેસ્ટ્રી એનલાઈઝર, લેપ્રોસ્કોપી ઓટોમેટિક કેમેસ્ટ્રી અને ડિજિટલ એક્સ-રે મશીનનો સમાવેશ થાય છે.
ગુજરાતની જનતા વતી અમિત શાહનો આભાર
અમિત શાહે જી.એમ.ડી.સી. હોસ્પિટલ અને કોલવડા ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ બાદ સંસદીય મત વિસ્તારના કોરોના સંક્રમિત વ્યક્તિઓની સારવાર માટે 10 કરોડના ખર્ચે ઉપલબ્ધ કરેલી, આ સાધન સહાયની શનિવારે સોલા સિવિલ હોસ્પિટલ ખાતેથી સંબધિત સ્થળોએ પહોંચાડવા અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રએ રવાના કરી હતી, જ્યારે શાહે ઉભી કરેલી આરોગ્ય સુવિધાનો લાભ 8 લાખથી વધુ ગ્રામીણ લોકોને મળશે.
અમિત શાહે કોરોનાકાળમાં મત વિસ્તારની સુવિધાની દરકાર કરી આદર્શ સાંસદનો દાખલો બેસાડયો - નિતીન પટેલ
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પોતાના સંસદિય મત વિસ્તારના સુવિધાની દરકાર કરીને આદર્શ સાંસદનો દાખલો બેસાડ્યો છે. જ્યારે કોવિડ મહામારીના સમયમાં પ્રજાને જરુરી આરોગ્ય સુવિધાઓ મળી રહે તે હેતુથી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભા સંસદીય મતવિસ્તારમાં 10 કરોડથી વધુ રકમની વ્યવસ્થા કરી છે, જેમાંથી 100 બાયપેપ મશીન અને 25 વેન્ટીલેટરની સુવિધા ઉભી થશે. આ બાયપેપ મશીનમાંથી 50 સોલા સિવિલ ખાતે અને 50 ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત થશે. આ વ્યવસ્થાના પગલે તાત્કાલિક ધોરણે 6 એમ્બ્યુલન્સ અને 2 ICU ઓન વ્હીલ્સ અને 2 મોબાઈલ લેબોરેટરીની સુવિધા જનતાને મળશે.
આ પણ વાંચોઃ સ્પષ્ટ માહિતી અને આરોગ્ય સુવિધાની તૈયારીને કારણે ન્યૂઝીલેન્ડેને મળી કોવિડ-19 સામે સફળતાઃ ભારતીય રાજદૂત
અમદાવાદ ક્ષેત્રની પ્રજાને 6 એમ્બ્યુલન્સ વાનનો લાભ મળશે
ગાંધીનગર વિસ્તારની પ્રજાને 1 એમ્બ્યુલન્સ વાન, 1 મોબાઈલ ટેસ્ટિંગ વાન અને 1 ICU ઓન વ્હીલ્સની સુવિધાનો લાભ મળશે. જ્યારે અમદાવાદ ક્ષેત્રની પ્રજાને 6 એમ્બ્યુલન્સ વાનનો લાભ મળશે. આ ઉપરાંત સોલા સિવિલ ખાતે આંખના રોગના નિદાન માટે ફેકો મશીન અને સાણંદ તથા બાવળા વિસ્તારમાં એક-એક મોબાઈલ ટેસ્ટિંગ લેબોરેટરી વાન ફાળવવામાં આવી છે. આ બધી સુવિધાઓ મળતી થવાના કારણે રાજ્ય સરકારને કોરોના સંક્રમણ નિયંત્રણ સામેના જંગમાં નવી શકિત અને નવી દિશા મળશે, એટલું જ નહીં સારવારની વ્યવસ્થા પણ વધુ સુદ્રઢ બનતા કોરોનાગ્રસ્તની દરકાર અને કાળજી વધુ વ્યાપકપણે લઇ શકાશે.