ગાંધીનગર: રાજ્યના નાગરિકોએ આરોગ્યને લગતી યોજનાનો ખુબ લાભ લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સપ્ટેમ્બર 2021થી અત્યાર સુધીમાં 1.37 કરોડથી વધુ લાભાર્થીઓને નવા આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં 58 લાખથી વધુ લાભાર્થીઓને PMJAY-MA હેઠળ નિ:શુલ્ક સારવાર અપાઈ: દર્દીઓને 11,590 કરોડથી વધુની બચત થઈ છે.
PMJAY-MA અંતર્ગત રાજ્યની ૨,૪૯૫ એમ્પેનલ્ડ હોસ્પિટલોમાં 2,471 નિયત કરેલ પ્રોસીજરો માટે કેશલેસ સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય- મુખ્યમત્રી અમૃતમ યોજના હેઠળ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧.૯૯ કરોડથી વધુ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ થકી આવરી લેવાયા છે.
તાજેતરમાં ભારત સરકાર તરફથી વર્ષ 2022-23 દરમ્યાન ગુજરાતને બેસ્ટ પ્રેક્ટીસ માટે "આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર ૨૦૨૩" એવોર્ડ પણ એનાયત કરેલ છે. હાલમાં રાજ્યની 1709 સરકારી, 768 ખાનગી અને ભારત સરકારની 18 એમ કુલ 2,495 હોસ્પિટલ સંલગ્ન છે. જેમાં અંદાજીત દૈનિક 3,509 પ્રિ-ઓથ કેસ સારવાર માટે મુકવામાં આવે છે. આ યોજનાની અમલવારીમાં કોઇ પણ ગેરરીતી ન થાય તે માટે ‘સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ’ (SAFU)ની રચના કરવામાં આવી છે જયારે આ યુનિટ દ્વારા હોસ્પિટલોનું સતત મોનીટરીંગ પણ કરવામાં આવે છે.
'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' સાથે ગુજરાત સરકારે વર્ષ 2019 માં 'મુખ્યમંત્રી અમૃતમ' MA અને 'મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય' MAV યોજનાને સંકલિત કરી આ યોજનાઓના તમામ લાભાર્થીઓ 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-માં' આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત કુટુંબના દરેક સભ્યને વ્યક્તિગત 'આયુષ્માન કાર્ડ' આપવામાં આવે છે. જેમાં નિયત માપદંડો ધરાવતા પરિવારોને નિયત ઓપરેશનો માટે રૂ. 10 લાખનું વિનામૂલ્યે આરોગ્યકવચ આપવામાં આવે છે. આ યોજનાની મદદથી લાભાર્થીઓ જરૂરિયાતના સમયે સામાન્ય બિમારીથી લઇને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, હૃદયની સારવાર, કેન્સર જેવી અતિગંભીર બિમારીઓ માટે પોતાના રહેઠાણની આસપાસ પસંદગીની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર મેળવી શકે છે.