- વડાપ્રધાને નરેશ અને મહેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ આપી
- કનોડિયા નિવાસસ્થાને પહોંચી પરિવારને પાઠવી સાંત્વના
- પીએમના આગમનને લઇ પરિવારના સભ્યોના કોરોના ટેસ્ટ કરાયા
ગાંધીનગર: ગુજરાતી ફિલ્મ જગતના મિલેનિયમ મેગા સ્ટાર નરેશ કનોડિયા અને સ્વરના બાદશાહ મહેશ કનોડિયાના અવસાન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર શહેરના સેક્ટર 8માં આવેલા કનોડિયા બંધુના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદી 10 મિનિટ સુધી કનોડિયા પરિવારના નિવાસસ્થાને રોકાયા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી. જ્યારે પીએમ મોદીના આગમન પહેલા કનોડિયા પરિવારના તમામ સભ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન મોદી કેશુભાઇ અને કનોડિયા પરિવારના દુઃખમાં સહભાગી બન્યા
શારીરિક બિમારીઓથી 6 વર્ષથી પીડાતા મહેશ કનોડિયાનું અવસાન ગત રવિવાર 25 ઓક્ટોબરના રોજ થયું હતું. જ્યારે કોરોનાને માત આપીને સારવાર મેળવી રહેલા નરેશ કનોડિયાનું અવસાન 27 ઓક્ટોબરના રોજ થયું હતું. બે દિવસના અંતરાલમાં બંને બંધુઓનું અવસાન થતાં ગુજરાતના રાજકારણ અને ફિલ્મ જગતમાં શોક વ્યાપી ગયો હતો. જ્યારે ગઈકાલે 29 ઓકટોબરના રોજ રાજ્યના અને ભાજપના પ્રથમ પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું અવસાન થતાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેશુભાઇ પટેલ અને કનોડિયા પરિવારના દુઃખમાં સહભાગી થવા માટે ગાંધીનગર આવ્યા હતા.
જિલ્લા પોલીસ દ્વારા લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેક્ટર 8માં આવેલા કનોડિયા પરિવારના નિવાસ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમણે 10 મિનિટનું રોકાણ કર્યું હતું અને હિતુ કનોડિયા, મોના થીબા સ્વર્ગીય નરેશ કનોડિયાના પત્ની રતનબેનની હાજરીમાં સાંત્વના પાઠવી હતી. પીએમના આગમનના કારણે જિલ્લા પોલીસ દ્વારા લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.