મળતી માહિતી મુજબ, વાવલમાં આવેલી દ્વારકેશ સોસાયટીમાં રહેતાં 32 વર્ષીય સાધનાબેન ચૌહાણ ગાંધીનગરમાં આવેલી કડી સ્કૂલમાં ઈગ્લિશ ટીચરની ફરજ બજાવે છે. તેઓ સવારે સાત વાગ્યે ટુવ્હિલર (Gj18 AU2739) લઈને શાળાએ જવા નીકળ્યાં હતા. ગોકુળપુરાના એક્સાઈઝ રોડ પરથી પસાર થતી વખતે તેમને ગંદા પાણીથી બચવા માટે ટુવ્હિલર સાઈડમાં લેવા ગયા. તે દરમિયાન એક્ટીવા સ્લીપ થઈ હતી. એટલામાં અચાનક ત્યાંથી પૂરઝપાટાભેર ટ્રક તેમના પરથી પસાર થતાં ઘટનાસ્થળે જ તેનું દર્દનાક મોત થયું હતું.
આ અકસ્માત બાદ મૃતકનો મૃતદેહ 3 કલાક સુધી રોડ પર જ પડી રહ્યો હતો. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જો કે, હાલ પોલીસે આ ઘટનાની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ઘરી છે. ત્યારે સ્થાનિકો આ અકસ્માત માટે તંત્રને જવાબદાર ઠેરવી વિરોધ કરી રહ્યાં છે.
આ અંગે સ્થાનિકો આક્રોશ ઠાલવતાં જણાવી રહ્યાં છે કે, "આ રોડ પર છેલ્લા કેટલાય સમયથી ગટરનું ગંદુ પાણી નીકળે છે. તેમજ ગાયોનો પણ અસહ્ય ત્રાસ હોય છે. જેના કારણે અનેકવાર ગંભીર અકસ્માત થયા છે. આ અંગે અમે તંત્રમાં ઢગલાબંધ રજૂઆત કરી છે. છતાં ઘોરનિંદ્રા પોઢેલું તંત્ર આ અંગે કોઈ પગલાં લઈ રહ્યું નથી. જેના કારણે આજે એક પરિવારે તેનો ભોગ બનવું પડ્યું છે."