ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઇરસને કારણે ફસાયેલા પરપ્રાંતિય લોકો હવે પોતાના વતનમાં પરત જઇ રહ્યા છે. ત્યારે સમગ્ર દેશમાં ગુજરાત સરકાર દ્વારા વધુને વધુ ટ્રેનો દોડાવવામાં આવી છે. આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, રાજ્ય દ્વારા સ્પેશ્યલ ટ્રેન દોડાવામાં આવી રહી છે.
અમદાવાદ, રાજકોટ, સુરત બરોડા દ્વારા કલેક્ટરો દ્વારા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં આજે રાજ્યના અલગ-અલગ જિલ્લામાંથી વધુ 31 ટ્રેન દોડાવવામાં આવશે.
જિલ્લા પ્રમાણેની વાત કરતા અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, અમદાવાદ રેલવે સ્ટેશનથી 55 ટ્રેન દોડાવવામાં આવી છે. જેમાં યુપી માટે 45, બિહાર 6, છત્તીગઢ અને ઓડિશા માટે 2 ટ્રેન દોડાવવામાં આવી છે. જ્યારે સુરતથી 79 ટ્રેનો દોડાવવામાં આવી છે. જેમાં યુપી માટે 44, ઓરિસ્સા માટે 21, બિહાર 8 ઝારખંડ 5 ઉત્તરાખંડ 1 ટ્રેન રન કરવામાં આવી છે. આમ બરોડાથી 17, રાજકોટ 13, મોરબીથી 7 અને જામનગરથી 6 ટ્રેન સાથે આજ દિન સુધી કુલ 233 ટ્રેનો ગુજરાતથી શ્રમિકો માટે દોડાવવામાં આવી છે.
આજે એટલે કે મંગળવારે વધુ 31 ટ્રેનો દોડાવવામાં આવશે. જેમાં યુપી માટે 19, બિહાર માટે 4, ઓરીસ્સા માટે 3, ઝારખંડ અને એમ.પી. માટે 2 અને ઉત્તરાખંડ માટે 1 ટ્રેન ફ્લેગ ઓફ કરાશે. આજે અમદાવાદથી 11 ટ્રેનો દોડશે. જેમાં 8 યુપી, અને 3 બિહાર જશે. બરોડાથી 3 યુ.પી., સુરતથી 6 ટ્રેનો જેમાં 2 યુપી ,1 બિહાર અને ઝારખંડ, ઓરિસ્સા અને ઉત્તરાખંડ જશે.