વિધાનસભા સવારે 11 કલાકે શરૂ થવાની છે. પ્રથમ કલાક પ્રશ્નોત્તરી માટે રાખવામાં આવ્યો છે. ત્યાર બાદ બપોરે 12.00 કલાકે નાણાપ્રધાન નીતિન પટેલ અંદાજપત્ર રજુ કરશે. આ વચગાળાના બજેટ અંતર્ગત સરકાર ચાર મહિનાનો ખર્ચ મંજૂર કરશે, ત્યારબાદ ચૂંટણી પછી સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે.
એક નજર ગત વર્ષના બજેટ પર..
- ગયા વર્ષે 1.83 લાખ કરોડનું બજેટ રજૂ થયું હતું
- આ બજેટ પણ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રજૂ કર્યું હતું.
- 20 ફેબ્રુઆરીએ રજૂ થયેલા બજેટમાં કોઇ નવા કરવેરા કે રાહતો આપવામાં આવી ન હતી.
રાજ્યના બજેટના ઈતિહાસ પર એક નજર..
ગુજરાતનું પ્રથમ બજેટ ડૉ. જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું. તે સમયે જીવરાજ મહેતા મુખ્યપ્રધાન હતા અને તે સાથે જ નાણાખાતાનો હવાલો પણ સંભાળતા હતા. આમ તો નાણાકિય વર્ષ માર્ચ-એપ્રિલમાં શરૂ થતું હોય છે, પરંતુ ગુજરાતનું પ્રથમ બજેટ 22 ઓગસ્ટ 1960ના રોજ રજૂ થયું હતું. કારણ કે, અલગ ગુજરાત રાજ્ય 1મે, 1960ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતુ. ગુજરાતનું પ્રથમ બજેટ કુલ 115 કરોડનું હતું. જેમાં મહેસુલી આવક 54 કરોડ 25 લાખ અને ખર્ચ 58 કરોડ 12 લાખ હતો. આ બજેટમાં 3 કરોડ 87 લાખની ખાધ બતાવાઈ હતી.
સમય અને આર્થિક સમૃદ્ધિની સાથે-સાથે રાજ્યના બજેટનું કદ પણ મોટું થતું ગયું છે. સૌથી વધુ સમય મુખ્યપ્રધાન રહેવાનો વિક્રમ ધરાવતા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં પૂર્વ નાણાપ્રધાન વજુભાઈ વાળાએ 19 વખત રાજ્યનું બજેટ રજૂ કર્યું છે. જે તેમનો એક વિક્રમ છે. ગુજરાતના છેલ્લા બજેટનું કદ 1.86 લાખ કરોડ હતું જે આગામી જુલાઇમાં વધીને બે લાખ કરોડ પહોંચી શકે છે.