- ભારત સરકારે ગુજરાતને 13.57 લાખ કોરોના રસીના ડોઝ મોકલ્યા
- કોરોનાને લઈને બજેટ સત્ર ટૂંકું કરાશે નહીં: નીતિન પટેલ
- રવિવારે આરોગ્ય વિભાગે 2.07 લાખ લોકોને રસી આપી
ગાંધીનગર: કોરોના મહામારી વચ્ચે હાલમાં ચાલી રહેલા વિધાનસભા સત્રને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ખુલાસો કર્યો છે કે, કોરોનાને લઈને વિધાનસભાનું સત્ર ટૂંકાવવાનું કોઈ આયોજન નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, રવિવારે રજાના દિવસે રાજ્યભરમાં કુલ 2.07 લાખ લોકોને રસી આપવામાં આવી હતી.
ગાંધીનગરમાં 7.77 લાખ ડોઝ ફાળવાયા
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં કોરોનાની રસીના 13.57 લાખ ડોઝ મોકલવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગરમાં 7.77 લાખ ડોઝ ફાળવાયા છે. રાજકોટમાં 1.66 લાખ ડોઝ અને વડોદરામા 2.04 લાખ ડોઝ ફાળવાયા છે. દરરોજ 2 લાખ લોકોને રસી આપવાનું લક્ષ્ય રખાયું છે. ટૂંક સમયમાં 60 વર્ષથી વધુના લોકોનું રસીકરણ પૂર્ણ થશે. ત્યારબાદ અન્ય અગ્રીમ વયજૂથને રસી આપવાનું કાર્ય કરાશે. કોરોનાકાળમાં ઉમદા કામ કરનારા લોકો જેમ કે, પત્રકારોને અગ્રિમતાના ધોરણે રસી આપવા ભારત સરકારને રજૂઆત કરાશે.
કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા આરોગ્ય વિભાગ તૈયાર
નીતિન પટેલે જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, પબ્લિક હેલ્થ સેન્ટર વગેરે જગ્યાએ કોરોનાની રસી મોકલી આપવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિને લઈને આરોગ્ય વિભાગ દ્વારા પુરતી તૈયારીઓ કરી નાખવામાં આવી છે. કોરોના હોસ્પિટલોમાં 70 બેડ ખાલી છે. આ ઉપરાંત વેન્ટિલેટર અને ICU પણ ખાલી છે. જ્યારે કોરોનાને લઈને બજેટ સત્ર ટૂંકાવવાની કોઈ યોજના નથી.