ગાંધીનગર: હિસાબી સંવર્ગના અધિકારી તરીકે ફરજ બજાવતા આધેડે નિયામક તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારી ચારુબેન ભટ્ટ સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસમાં અરજી કરવામાં આવી છે. સેક્ટર-7 પોલીસ સ્ટેશન ખાતે થયેલી અરજીમાં થયેલા આક્ષેપ મુજબ અરજીકર્તાની 2003માં ગાંધીનગર ખાતે બદલી થતા તે મહિલા અધિકારી સાથે સંપર્કમાં આવ્યા હતા. એક જ વિસ્તારના હોવાથી બંને વચ્ચે સામાન્ય મિત્રતા બાદ એકબીજાની સ્વૈચ્છિક સમંતિથી આદર્શ ફ્રેન્ડશીપનો સંબંધ બંધાયો હતો.
જેમાં અરજીકર્તા ઉમેશભાઈ ઓઝાએ આક્ષેપ કરતા કહ્યું કે, મહિલા અધિકારી સાથે તેઓ અવાર-નવાર ફરવા જતા હતા. આ મિત્રતા દરમિયાન મહિલા અધિકારીની માંગણી પ્રમાણે તેઓએ 2003થી ટુકડે-ટુકડે 25 લાખ રૂપિયા આપ્યા હતા. આ સિવાય 200 ગ્રામ સોનું પણ ખરીદી આપેલ હતું. ત્યારે હવે અરજીકર્તાનો આક્ષેપ છે કે, પૈસા અને સોનું પાછુ માંગતા મહિલા અધિકારીએ તેમની સામે ખોટા પોલીસ કેસો કર્યા છે.
અરજીકર્તા દ્વારા મહિલા અધિકારી સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને બળજબરીથી નાણાં પડાવા તેમજ ગંભીર ગુનામાં સંડોવી દેવાની ધમકી અપાતી હોવાના આક્ષેપો સાથે પોલીસમાં અરજી કરી છે. અરજીકર્તાનો આક્ષેપ છે કે, મહિલા અધિકારી પોલીસ વિભાગમાં લાગવગ કરીને ફરિયાદ નોંધાવા દેતા નથી.