ગાંધીનગર : લોકડાઉનના કારણે રાજ્ય સરકાર દ્વારા 15 ઓગસ્ટ સુધી રાજ્યની તમામ શાળા અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યાં સુધી કેન્દ્ર સરકારનું નવું નોટિફિકેશન ન આવે ત્યાં સુધી રાજ્યમાં કોઈપણ સ્કૂલ અને કોલેજ ખોલી શકાશે નહીં, ત્યારે સ્કૂલો દ્વારા વાલીઓ પાસેથી ઉઘરાવવામાં આવી રહી છે તે મુદ્દે આજે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે સામાજીક આગેવાન અને વાલીમંડળની બેઠક યોજાઇ હતી. જેમાં જ્યાં સુધી સ્કૂલ બંધ રહે ત્યાં સુધી ફી માફી આપવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી હતી.
આ બાબતે સામાજિક આગેવાન વરૂણ પટેલે બેઠક બાદ જણાવ્યું હતું કે, રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ખાસ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જે વાલીઓની આર્થિક પરિસ્થિતિ નબળી છે તે વાલીઓને તે મુદ્દે રાહત આપવામાં આવે અને જ્યાં સુધી શાળાઓ બંધ છે ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓની ફી માફ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, આજે 45 મિનિટ સુધી બેઠક ચાલી હતી, ત્યારબાદ હજુ એક બેઠક યોજીને રાજ્ય સરકાર ફી મુદ્દે મહત્વનો નિર્ણય જાહેર કરશે.