ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે તમામ સરકારી યુનિવર્સિટીમાં પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો હતો. જેના ગણતરીના કલાકોમાં જ કેન્દ્ર સરકારના શિક્ષણ સચિવે કોઈપણ રાજ્યની યુનિવર્સિટીમાં પરીક્ષા ન યોજવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેના પગલે રાજ્ય સરકારે લીધેલા કેબિનેટ બેઠકના નિર્ણય બદલાવ કરવાની ફરજ પડી હતી.
રાજ્ય સરકારે યુનિવર્સિટી પરીક્ષા અંગે લીધેલો નિર્ણય કર્યો રદ
- આજે સવારે શિક્ષણ પ્રધાને પરીક્ષા યોજવાની કરી હતી જાહેરાત
- કેન્દ્ર સરકારે નિર્ણય બદલવા કર્યો આદેશ
- હવે કોઈ પણ પરીક્ષા લેવાશે નહીં
આ અંગે શિક્ષણ પ્રધાન ચૂડાસમાએ જણાવ્યું છે કે, કેન્દ્રીય શિક્ષણ સચિવ દ્વારા તમામ રાજ્યોને પરીક્ષા નહીં યોજવાની સૂચના આપવામાં આવી છે, ત્યારે હવે ગુજરાતમાં આવતીકાલથી શરૂ થતી પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવે છે. તેમજ પરીક્ષાની તારીખ કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત થયા બાદ જ નવી તારીખ જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આજે સવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં યુનિવર્સિટીના અંતિમ વર્ષની પરીક્ષા અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે. જેના ગણતરીના કલાકોમાં જ રાજ્ય સરકારને પોતાનો નિર્ણય બદવાની ફરજ પડી છે, ત્યારે રાજ્યભરમાં સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયની નિંદા થઈ રહી છે. આ સાથે જ સરકારમાં જ આંતરિક સ્પષ્ટતા ન હોવાના અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.
બીજી તરફ વિદ્યાર્થીઓમાં પણ બદલાતા નિર્ણયને ભારે નિરાશા જોવા મળી રહી છે. કારણ કે, આ પહેલીવાર નથી, જ્યારે રાજ્ય સરાકરે પોતાનો નિર્ણયમાં ફેરફાર કર્યો છે. એટલે વિદ્યાર્થીઓ પણ રાજ્ય સરકારના વારંવાર બદલાતા નિર્ણયને વખોડી રહ્યાં છે. આ સાથે તમામ પાસાઓને તપાસી યોગ્ય અને આખરી નિર્ણય જણવવા દર્શાવી રહ્યાં છે.
નોંધનીય છે કે, GTUની પરીક્ષા 350 કેન્દ્રો પર પરીક્ષા લેવા અને વિદ્યાર્થીઓની પસંદ મુજબ વિવિધ તાલુકામાં કેન્દ્રો ઊભા કરવાની જાહેરાત કરાઈ હતી. તેમજ GTUની પરીક્ષા પછી બાકીની સરકારી તમામ યુનિવર્સિટીઓની પરીક્ષા રાબેતા મુજબ નક્કી થયેલા ટાઈમ ટેબલ મુજબ લેવાનું નક્કી કરાયું હતું. જેમાં 54 હજાર વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની મંજૂરી અપાઈ હતી.
આવતી કાલથી યોજવવાની હતી પરીક્ષા
આવતીકાલથી GTUની છેલ્લા વર્ષની પરીક્ષાઓનો પ્રારંભ થવાનો હતો અને 350 જેટલા સેન્ટર ઉભા કરવામાં આવ્યાં હતા. જેમાં કોરોના મહામારીને પગલે સોશિયલ ડિસન્ટસ અને માસ્ક સહિતની તમામ બાબતોની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ અચાનક પરીક્ષા રહેતા વિદ્યાર્થીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.