ગાંધીનગર: કોરોનાના કહેર વચ્ચે સોમવારે રાજ્યમાં વધુ 247 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા આ કેસોમાં સૌથી વધુ અમદાવાદમાં 197 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીમાં અમદાવાદમાં કુલ કેસોનો આંક 2378 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 81 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. તેમજ 11 લોકોના મૃત્યુ થયાં છે. હાલ 31 લોકો વેન્ટિલેટર ઉપર છે.
રાજ્ય આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ સોમવારના સાંજે પાંચ વાગ્યા સુધી છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા કેસોની વિગત આપી હતી. જેમાં ગુજરાતમાં કોરોનાના કુલ 247 કેસ નોંધાયા છે. જેને લઈને અત્યાર સુધીના કુલ કેસોનો આંકડો 3548 પર પહોંચ્યો છે. અમદાવાદમાં 197, સુરતમાં 30, આણંદમાં 2, બોટાદમાં 1, ડાંગમાં 1, ગાંધીનગરમાં 5, રાજકોટમાં 1, વડોદરામાં 6 કેસ નોંધાયા છે. અમદાવાદના મોટા ભાગના કેસ કોટ વિસ્તારમાં સામે આવ્યાં છે.