ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હાલમાં જ ગુજરાત એસટી નિગમના કર્મચારીઓને પણ આ લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યા છે. ત્યારે એસટી નિગમના વિવિધ કર્મચારી યુનિયન દ્વારા રાજ્ય વાહન વ્યવહાર પ્રધાન હર્ષ સંઘવીનું સન્માન કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારનો નિર્ણય : ઉલ્લેખનિય છે કે, રાજ્યના 25 લાખથી વધુ પરિવારોને યાતાયાતની સુવિધા પુરી પાડવાનું ઉત્તમ કાર્ય ગુજરાત એસટી નિગમ કરી રહ્યું છે. જેમાં એસટી નિગમના કર્મચારીઓ દિવસ-રાત અને તહેવાર નિમિતે પણ પોતાની સેવા આપી રહ્યા છે. ત્યારે ગુજરાત એસટી વિભાગના ફિક્સ પગારના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. હવે ફિક્સ પગારના કર્મચારીઓના વેતનમાં થયેલા વધારાનો લાભ ગુજરાત એસટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને મળશે.
એસટી કર્મચારીઓ માટે ખુશખબર : એસટી વિભાગના વિવિધ યુનિયનની વાહન વ્યવહાર પ્રધાન હર્ષ સંઘવી સાથે બેઠક યોજાઇ હતી. જેમાં સૌ યુનિયનના હોદ્દેદારો તેમજ નિગમમાં ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓ ઉપરાંત એસટી નિગમના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારના નિર્ણયને આવકારીને એસટી નિગમના વિવિધ યુનિયનના હોદ્દેદારો તેમજ કર્મચારીઓ દ્વારા હર્ષ સંઘવીનું અભિવાદન કરી સન્માન કરવામાં આવ્યું હતું.
7 હજાર કર્મચારીઓને લાભ : આ તકે રાજ્ય વાહન વ્યવહાર પ્રધાન હર્ષ સંઘવીએ બેઠક સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કર્મચારી પ્રત્યે હરહંમેશ હકારાત્મક અભિગમ દાખવ્યો છે. તાજેતરમાં જ રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં 30 ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે આજે ગુજરાત એસટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે આ લાભ આપવા સંદર્ભે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી 7 હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે.
એસટી યુનિયન સાથે બેઠક : આ મહત્વપૂર્ણ જાહેરાત કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વાર-તહેવાર ભૂલીને રાજ્યના 25 લાખથી વધુ પરિવારોને યાતાયાતની સુવિધા પુરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત એસટી વિભાગના સૌ કર્મચારીઓ અભિનંદનને પાત્ર છે. તાજેતરમાં જ એસટી યુનિયન સાથે બેઠક કરીને વિવિધ પ્રશ્નો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરી મોટા ભાગના પ્રશ્નોના નિરાકરણ લાવવામાં આવ્યા હતા.