વિધાનસભા ખાતે ગારિયાધારના ધારાસભ્ય કેશુ નાકરાણી, પાલીતાણા ધારાસભ્ય ભીખા બારૈયા અને મહુવા ધારાસભ્ય આર.સી.મકવાણા દ્વારા ભાવનગર જિલ્લામાં 31 માર્ચ 2019ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ હેઠળ તૈયાર થયેલા આવાસો અંગેના પૂછાયેલા પ્રશ્નના લેખિત પ્રત્યુત્તરમાં ગ્રામ વિકાસ પ્રધાને જણાવ્યુ હતું કે, છેલ્લા 2 વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભાવનગર જિલ્લામાં 3436 આવાસો મંજૂર થયા છે. જે પૈકી 3010 આવાસોનાં કામ પૂર્ણ થયા છે અને તે માટે કુલ રૂ.4406.20 લાખનો ખર્ચ થયો છે.
ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા અને કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા દ્વારા પાટણ જિલ્લામાં 31 માર્ચ 2019ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થયેલા આવાસો અંગેના પૂછાયેલા પ્રશ્નના લેખિત પ્રત્યુત્તરમાં ગ્રામ વિકાસ પ્રધાને જણાવ્યુ હતું કે, પાટણ જિલ્લામાં 10,217 આવાસો મંજૂર થયા છે. જે પૈકી 9,097 આવાસોનાં કામ પૂર્ણ થયા છે અને તે માટે કુલ રૂ.10,916.40 લાખનો ખર્ચ થયો છે.
માતર ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અને મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ દ્વારા ખેડા જિલ્લામાં 31 માર્ચ 2019ની સ્થિતિએ આ યોજના હેઠળ છેલ્લા 2 વર્ષમાં તૈયાર થયેલા આવાસો અંગેના પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં પ્રધાનશ્રીએ જણાવ્યુ હતું કે, ખેડા જિલ્લામાં 5854 આવાસો મંજૂર થયા છે. જે પૈકી 5260 આવાસોનાં કામ પૂર્ણ થયા છે અને તે માટે કુલ રૂ.5953.90 લાખનો ખર્ચ થયો છે. જ્યારે જામનગર જિલ્લામાં 31 માર્ચ 2019ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં આવાસો અંગેના પૂછાયેલા સવાલના જવાબમાં અહીં 805 આવાસો મંજૂર થયા હોવાનું અને તે પૈકી 660 આવાસોનાં કામ કુલ રૂ.808.1 લાખના ખર્ચે તૈયાર થયા હોવાનું જણાવવામાં આવ્યુ હતું.
આમ, આ યોજના હેઠળ છેલ્લા 2 વર્ષમાં ભાવનગર, જામનગર, પાટણ અને ખેડા જિલ્લામાં રૂ22,084.60 લાખનાં ખર્ચે 18,027 આવાસોનાં કામ પૂર્ણ થયા છે.