ગાંધીનગર : ગુજરાતભરના ખેડૂતોને તેમના પાક માટે પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ સીઝન 2023-24 માં રાજ્ય સરકાર દ્વારા વિવિધ ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જેમાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે ડાંગર, બાજરી, જુવાર, રાગી, મકાઈની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આગામી 1 નવેમ્બરથી 15 જાન્યુઆરી દરમિયાન વિવિધ ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જે અંગેની સત્તાવાર જાણકારી સરકાર દ્વારા અખબાર યાદીના માધ્યમથી આપવામાં આવી હતી.
ટેકાના ભાવ જાહેર : આ અંગે મળતી સત્તાવાર માહિતી મુજબ કેન્દ્ર સરકાર દ્વારા કોમન ડાંગર માટે રૂ. 2183 પ્રતિ ક્વિન્ટલ, ગ્રેડ-એ ડાંગર માટે રૂ. 2203 પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે રૂ. 2090 પ્રતિ ક્વિન્ટલ, બાજરી માટે રૂ. 2500 પ્રતિ ક્વિન્ટલ, હાઈબ્રીડ જુવાર માટે રૂ. 3180 પ્રતિ ક્વિન્ટલ, માલદંડી જુવાર માટે રૂ. 32225 પ્રતિ ક્વિન્ટલ અને રાગી માટે રૂ. 3846 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. ખરીદી સમયે ખેડૂતોએ પોતાનું આધારકાર્ડ અથવા અન્ય કોઈ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે.
કેવી રીતે કરશો નોંધણી ? લઘુત્તમ ટેકાના ભાવે ખરીફ પાકોનું વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોએ ફરજીયાત ઓનલાઇન નોંધણી કરી પડશે. જે માટે આગામી 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય કક્ષાએ VCE મારફત પણ ઓનલાઈન નોંધણી કરી શકાશે. આ નોંધણી માટે જરુરી દસ્તાવેજો ખેડૂતનો જરુર પડશે. જેમાં આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો 7/12, 8-અની નકલ, ગામ નમૂના 12 માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત સહિતના પુરાવાની નકલ સાથે અરજી કરવાની રહેશે.