આ પ્રશ્ન સામે સરકારે જવાબ આપતા જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણી વિધાનગૃહના નેતા તરીકે વિધાનસભાના પ્રશ્નોત્તરીકાળ દરમિયાન હાજર હતા. આ ઉપરાંત સભામાં માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજાએ રાજ્યના વિવિધ જિલ્લાઓ, કોર્પોરેશન હસ્તકની જમીનો તથા ગ્રામીણ ક્ષેત્રોમાં વર્ષ-1971 પહેલાંનો કબ્જો ધરાવતા જમીન ધારકોને તે જમીન/જગ્યા કબ્જા ધારકને નામે કરી આપવાના પ્રશ્નના જવાબની ચર્ચા કરી ત્યારે પણ હાજર હતા.
મુખ્યપ્રધાનએ વિધાનગૃહમાં આ અંગે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, સરકારી માલિકીની પરંતુ વર્ષોથી ઘર, વાડાં અને અન્ય રહેણાંક પ્રવૃત્તિ માટે કબ્જે લેવાયેલી જમીન, સોસાયટી કે સૂચિત રહેણાંક સ્થળોને નિયમિત (રેગ્યુલરાઇઝ) કરવા માટે રેવન્યૂ કાયદામાં છેલ્લા 3 વર્ષથી ધરમૂળથી ફેરફાર કર્યો છે.
આ પ્રકારની જમીનો પર થતી હૂંસાતૂંસી અને કાયદેસર પ્રક્રિયાને કારણે ઉદ્દભવતા ઘર્ષણો ટાળવા માટે ગૃહમાં વિપક્ષી નેતા પરેશભાઇ ધાનાણીએ પણ સરકારને સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું. મુખ્યપ્રધાને આ સંદર્ભમાં પણ વિસ્તૃત અને મહત્વપૂર્ણ જવાબ પાઠવતા જણાવ્યું કે, રાજ્યમાં સરકારી માલિકીની કે અન્ય કોઇની માલિકી પર વર્ષોથી ઊભી થયેલી હાઉસિંગ સોસાયટીઓ અને રહેણાંકોને તોડી પાડી કે કોર્ટના ચૂકાદાને માન્ય રાખીને તેને નેસ્તનાબૂદ કરી લાખો લોકોને છત વગરના કરી દેવા અનુચિત નથી.
મુખ્યપ્રધાન એ કહ્યું કે, અમારી સરકારે લાગણીસભર સંવેદના સાથે ઐતિહાસિક પરિવર્તન રેવન્યુ એકટમાં લાવીને યુ.એલ.સી.માં થયેલા મકાનોને કાયદેસર કર્યા છે. સૂચિત સોસાયટીમાં જે મકાનો છે તેને પણ કાયદેસર કર્યા છે.
તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકાર સમક્ષ ગામડાંના લોકોની પણ લાગણી આવી કે, વાડાની જમીનો વર્ષોથી બાપ-દાદાના વખતથી લોકો વાપરે છે. ઘરની એડજોઇનીંગ જમીનમાં તેઓ ઢોર-ઢાંખર, નીરણ રાખતા હોય છે. આવી જમીનની માલિકી સરકારની છે અને કબ્જો વર્ષોથી જે-તે વ્યકિત પાસે છે.
ગૃહે જણાવ્યું હતું કે,એવા સંજોગોમાં વાડાની જમીન કાયદેસર કરીને લોકોને આપવી તેવો નિર્ણય પણ સરકારે પ્રો-એકટીવ થઇને લીધો છે. વધુમાં જણાવ્યું હતું કે, આ બધા રેવન્યુના પ્રશ્નો, તકરારો, વાંધા-વિવાદોને કારણે લોકોને તકલીફ પડે છે. અનિશ્ચિતતાને કારણે ભયમાં જીવવું પડે છે.
એમને ભયમુકત કરી આવાસ છત આપવા સરકારે આ બધા સુધારાઓ કર્યા છે. મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યું કે, એ જ રીતે જે ઝૂંપડપટ્ટીઓ સરકારી જમીનમાં, કોર્પોરેશનની જગ્યામાં બની ગઇ છે. તેને પણ રી-ડેવલપમેન્ટ સ્કીમમાં પાકા મકાનો બનાવીને ગરીબ-મધ્યમવર્ગીય લોકોને, વધુને વધુ મકાનો મળે તથા 2022 સુધીમાં પ્રત્યેક વ્યકિત પાકા મકાનમાં રહે તે દિશામાં સરકાર આગળ વધી રહી છે.