ગાંધીનગરઃ રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતાં વર્ગો વધારવા પડે તેવી સ્થિતિ છે. તેથી રાજ્ય સરકારે વધારાના વર્ગો મંજૂર કરવાની પ્રક્રિયાનું સરળીકરણ કર્યુ છે. જેનો સીધો લાભ રાજ્યની અંદાજિત ૫૩૦૦ બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મળશે.
સરકારી શાળા જેવી મંજૂરી પદ્ધતિ અપનાવાઈઃ વિદ્યાર્થીઓની સંખ્યામાં થનાર વધારાને ધ્યાને રાખી વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ મળી રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. સરકારી પ્રાથમિક શાળાઓની જેમ ડિસ્ટ્રિક્ટ ઈન્ફોર્મેશન સીસ્ટમ ફોર અજ્યુકેશન (Adhar Enabled District Information System for Education-DISE) અને ચાઈલ્ડ ટ્રેકિંગ સીસ્ટમ (Child Tracking System-CTS) અનુસાર વર્ગ વધારાની મંજૂરી પ્રક્રિયાને સરળ બનાવાઈ છે.
પોર્ટલ એક્ટિવેટ કરાશેઃ વર્ગ વધારાની મંજૂરી પ્રક્રિયા સરળ અને પારદર્શક વ્યવસ્થા માટે નવા શૈક્ષણિક વર્ષથી પોર્ટલ એક્ટિવેટ કરવામાં આવશે. જેના પર શાળાઓ દ્વારા ઓનલાઈન નવા, ક્રમિક, વધારાના વર્ગોની મંજૂરી સ્વઘોષણા પત્ર સાથે કરવામાં આવશે. જેની મંજૂરીની પ્રક્રિયા જે તે વર્ષના ૩૧મી ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. આ નવીન પ્રક્રિયામાં શાળાને કોઈ ધોરણનો વર્ગ વધારો મંજૂર કરવાની સાથેજ ઉપલા ધોરણનો ક્રમિક વર્ગ વધારો પણ સાથોસાથ જ મંજૂર કરવામાં આવશે મતલબ ધોરણ ૯ તથા ધોરણ ૧૧ ના વર્ગોની મંજૂરી સાથેજ ધોરણ ૧૦ તથા ૧૨ ના કમિક વધારાના વર્ગો યુનિટ તરીકે એકસાથે મંજૂર ગણાશે.
અગાઉ કરતા સરળ પ્રક્રિયાઃ અગાઉ વર્ગ વધારા બજેટ મંજૂર થયા બાદ જાહેરાત આપી વર્ગ વધારાની દરખાસ્તો મંગાવ્યા બાદ મંજુર કરવામાં આવતા હતા જેના કારણે લગભગ એક સત્ર પૂરું થાય ત્યાં સુધી વર્ગ વધારા મંજૂર કરી શકાતા ન હતા જેના કારણે ઘણા વહીવટી પ્રશ્નો ઊભા થતાં હતા પરંતુ હવે આ નવીન સરળીકરણ કરાયેલ પ્રક્રિયા થકી નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાની સાથેજ શાળાઓને જરૂરી વર્ગ વધારાની મંજૂરી સ્વઘોષણા પત્રના આધારે મળી જશે.વર્ગ વધારા મંજૂર કરવાની આ નવીન પ્રક્રિયા સંપૂર્ણપણે સરળ, ઝડપી, પારદર્શક અને ઓનલાઈન હશે.