મળતી માહિતી મુજબ ગાંધીનગર પાસે આવેલા લેકાવાડા ગામમાં રહેતી કિંજલબેન રમેશભાઈ દંતાણી સેક્ટર 28માં આવેલી વસંતકુવરબા શાળામાં ધોરણ-9માં અભ્યાસ કરી રહી છે. ત્યારે ગત 1 જાન્યુઆરી 2020ના રોજ નિયમિત સમય પ્રમાણે શાળામાં ગઈ હતી. ત્યારે શિક્ષિકા દ્વારા તમામ વિદ્યાર્થીઓનું ગૃહકાર્ય તપાસવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન વિદ્યાર્થિનીએ ગૃહકાર્ય નહીં કરવાનું જણાવતાં ડાબા કાન પર થપ્પડ મારી હતી.
શાળાએ છૂટયા બાદ વિદ્યાર્થીની ઘરે જતા રડતી હતી. જે બાબતે તેના પિતા રમેશભાઈ દંતાણી દીકરી સાથે પૂછપરછ કરતા સમગ્ર બનાવથી વાકેફ કર્યા હતા. બીજી તરફ વિદ્યાર્થીનીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. થપ્પડ મારવાના કારણે વિદ્યાર્થીનીના ડાબા કાનનો પડદો ફાટી ગયો હતો. આ ઘટના વિશે પિતાએ શાળાના આચાર્યને જાણ કરતા તેમણે પણ કશું બન્યું જ ન હોય તે રીતે વ્યવહાર કર્યો હતો. જેને લઇને પિતા દ્વારા સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
વિદ્યાર્થિનીના પિતા રમેશભાઈ દંતાણી કહ્યું કે, શાળાની શિક્ષિકા દ્વારા મારી દીકરીને હોમવર્ક નહિ લઇ જવા બાબતે થપ્પડ મારતા કાનનો પડદો ફાટી ગયો છે. ત્યારે આ શિક્ષિકાને સજા થવી જોઈએ અને અમને ન્યાય મળવો જોઈએ. મારી દીકરી બીમાર હોવાના કારણે સ્કૂલમાં બે દિવસથી જતી નહોતી. શાળાની શિક્ષિકાએ મારી દીકરીને કેમ નથી આવતી તે પૂછવાની પણ દરકાર લીધી ન હતી. શાળાના પ્રિન્સિપાલ મૃદુલાબેન ગોસાઈએ કહ્યું કે, પ્રવાસી શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીને થપ્પડ મારવામાં આવી હતી.