ગાંધીનગર : કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર તરફથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે 17 એપ્રિલથી 30 એપ્રિલ સુધી યોજાનાર છે. ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના બે પ્રધાનો હાલમાં તમિલમાં છે અને આ બાબતનું વ્યવસ્થા કરી રહ્યા છે ત્યારે 17 એપ્રિલના રોજ 300 લોકો વિશેષ ટ્રેનથી ગીર સોમનાથ આવશે અને ત્યાં તેમનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવશે તેવું નિવેદન પર રાજ્ય સરકારના પ્રમુખ પ્રધાન ઋષિકેશ પટેલે આપ્યું હતું.
સરકારે શું કર્યું છે આયોજન : તમિલ સૌરાષ્ટ્ર સંમેલન બાબતે રાજ્ય સરકારના પ્રવક્તાપ્રધાન ૠષિકેશ પટેલે જણાવ્યું હતું કે, 17 થી 30 એપ્રિલ સુધી તમિલનાડુ અને ગુજરાત બંને રાજ્યો વચ્ચેના પ્રાચીન સંબંધોની ઉજવણી કારવામાં આવશે. આ દરમિયાન સાંસ્કૃતિક આદાન-પ્રદાનની સાથે સ્પોર્ટ્સ ચેલેન્જર્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં કેન્દ્રીયપ્રધાનો, રાજ્યપાલ, મદુરાઈના રાજા, નામાંકિત સંગીતકારો હાજરી આપશે. તેમજ ગુજરાતના રબારી, ભરવાડ, આહિર સમાજ દ્વારા આમંત્રિત મહેમાનો માટે સમૂહભોજનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સોમનાથ, દ્વારકા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત : ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે 17 એપ્રિલના રોજ 300 જેટલા તામિલ સૌરાષ્ટ્રના લોકો ગીર સોમનાથ ખાતે આવશે. ત્યારબાદ આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત આવતા મહેમાનોને સોમનાથ, દ્વારકા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળોએ જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ 10 દિવસના કાર્યક્રમમાં 300 સુધીની વ્યક્તિઓની બેચમાં સોરાષ્ટ્ર મૂળના તથા સૌરાષ્ટ્ર મૂળ સિવાયના તમિલો અનુક્રમે 70:30ના ગુણોત્તરમાં ભાગ લેશે. ખાસ ટ્રેનો દોડાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. પ્રવાસીઓના આવન-જાવન માટે ખાસ ટ્રેનો દોડાવવાનું આયોજન છે, જે પૈકી પ્રથમ ટ્રેન મદુરાઈથી ગુજરાત આવવા ઉપડશે.
કયા કયા કાર્યક્રમ યોજાશે : સૌરાષ્ટ્ર તમિલ સંગમ દરમિયાન આમંત્રિત મહેમાનો માટે સાંસ્કૃતિક કાર્યક્રમો, એજ્યુકેશ એક્સ્પો, ગીર જંગલ સફારી, મ્યુઝિયમ, કચ્છી લોકવાદ્યોના સૂર સાથે ડિનર, બીચ વોલીબોલનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા મોલ, જંગલ સફારી, બોટનિકલ ગાર્ડન, વેલિ ઓફ ફ્લાવર્સ, નર્મદા આરતી, ન્યુટ્રિશિયન પાર્કની મુલાકાત તથા સિતાર, જલતરંગ, સંતૂર, તબલા જેવા વાદ્યોના સૂર સાથે ડિનરનું આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો Saurashtra Tamil Sangam : સૌરાષ્ટ્ર તમિલ સંગમ પ્રવાસીઓ માટે ટુર ગોઠવાઇ, જાણો ક્યાં સ્થળોએ લઈ જશે
શું છે ઐતિહાસિક મહત્ત્વ ? : ઇતિહાસ બાબતે રાજ્ય સરકારના શિક્ષણપ્રધાન કુબેર ડીંડોરે જણાવ્યું હતું કે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંત અને તમિલનાડુ રાજ્ય વચ્ચેના સદીઓ જૂના સંબંધોની ઉજવણી કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે સાથે મળીને આગામી તા. 17 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન “સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમનું આયોજન કર્યું છે. તેમણે જણાવ્યું કે સૈકાઓ પહેલાના ગુજરાતમાં મોહમ્મદ ગઝની અને ત્યારબાદ અલ્લાઉદ્દીન ખીલજી જેવા આક્રમણખોરોએ સૌરાષ્ટ્ પર આક્રમણો કર્યાં હતાં. ત્યારે આ આક્રમણોના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી અનેક લોકો સ્થળાંતર કરી તમિલનાડુના મદુરાઈના આસપાસના વિસ્તારોમાં પહોંચીને સ્થાયી થઇ ગયાં હતાં. જે લોકો ત્યા સ્થાયી થયા બાદ સૌરાષ્ટ્રીયન તમિલ તરીકે ઓળખાયા છે. ગુજરાતના સૌરાષ્ટ્રથી દક્ષિણના તમિલનાડુમાં થયેલું આ સ્થળાંતર દુનિયામાં થયેલા સૌથી મોટા સ્થળાંતરોમાંનું એક છે. ત્યારે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના માધ્યમથી આ લોકોનું સૈકાઓના અંતરાલ પછી સૌરાષ્ટ્ર સાથે અનોખું પુનઃમિલન થશે તેે એક ઐતિહાસિક ઘટના હશે.