- જિલ્લા આયોજન મંડળ બેઠક યોજાઇ
- પ્રભારી પ્રધાન કૌશિક પટેલની અધ્યક્ષતામાં બેઠક થઈ
- વિકાસ કામો માટે અગ્રીમતા અપાશે જેમાં મેડિકલ ક્ષેત્રે ખાસ ધ્યાન અપાશે
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લા આયોજન મંડળની બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રભારી પ્રધાન કૌશિક પટેલ ( Kaushik Patel )ની અધ્યક્ષતામાં યોજાઇ હતી.આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી કે, ગાંધીનગર જિલ્લામાં એક વર્ષમાં 351 વિકાસ કામો માટે રૂપિયા 578 લાખ ખર્ચવામાં આવશે. મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે જણાવ્યું કે, જનસુખાકારીના કામો થકી ગુજરાતની વણથંભી વિકાસયાત્રામાં ઉત્તરોત્તર વધારો કરવા રાજય સરકાર કટિબદ્ધ છે.જેના માટે સમયથી આયોજન અને જરૂરી નાણાંકીય ફાળવણી કરીને અસરકારક કામગીરી કરી છે જેના પરિણામે નાગરિકોને મળતી સુવિધાઓમાં વધારો થયો છે.
આ પણ વાંચો : ગાંધીનગર મેડીકલ કોલેજના ઇન્ટર્ન અને રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા હોસ્ટેલમાં પરમિશન વિના AC લગાવતા ડીનની નોટિસ
વર્ષ 2021-22 માટે કરાયેલી તાલુકાકક્ષાની વિવિધ જોગવાઈઓ
વધુમાં કૌશિક પટેલે જણાવ્યું કે, આયોજન મંડળની બેઠકમાં વર્ષ 2021-22 માટે તાલુકા કક્ષાની વિવિધ જોગવાઈ જેવી કે, વિવેકાધીન જોગવાઈ, ખાસ અંગભુત જોગવાઈ, પ્રોત્સાહક જોગવાઈ અને ખાસ ભૌગોલિક પછાત વિસ્તાર જોગવાઈ માટે મળવાપાત્ર થતી રૂપિયા 475 લાખની ગ્રાંટની સામે 338 કામો, રૂપિયા 492.50 લાખના નગરપાલિકા જોગવાઈની મળવાપાત્ર થતી રૂપિયા 75 લાખની ગ્રાંટની સામે 10 કામો, રૂપિયા 150 લાખની ગ્રાંટ સામે રૂપિયા 150 લાખના કામો મંજૂર કરવા સુચન કર્યું હતું.
કુલ રૂપિયા 577.93 લાખના 351 કામોને મંજૂર
મંજૂર કરવામાં આવેલા કામોમાં મુખ્યત્વે પાણી પુરવઠાના રૂપિયા 142.21 લાખ, ગ્રામ્ય માર્ગોના રૂપિયા 135.44 લાખના ગંદા વસવાટોની વાતાવરણલક્ષી સુધારણાના રૂપિયા 105.82 લાખ, સ્થાનિક વિકાસના રૂપિયા 85.10 લાખ, પ્રાથમિક શિક્ષણના, પોષણ અને આરોગ્ય રૂપિયા 40.56 લાખના તેમજ ભૂમિ સંરક્ષણના રૂપિયા 47.50 લાખ અને વિજળી કરણના રૂપિયા 17.30 લાખ એમ કુલ મળીને રૂપિયા 577.93 લાખના 351 કામોને મંજૂર કરાયા છે.
આ પણ વાંચો : ધોરણ 10નું પરિણામ જાહેર: ગણિત અને ગુજરાતી વિષયનું પરિણામ નબળું આવ્યું
ધારાસભ્યઓ દ્વારા કુલ 68 કામો માટે રૂપિયા 490.40 લાખની ગ્રાંટ ફાળવવામાં આવી
વૈશ્વિક મહામારી કોવિડ-19 (COVID19) સંદર્ભે કરાયેલી કામગીરી અને આગામી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરતાં કૌશિક પટેલે જણાવ્યું કે, જિલ્લામાં આરોગ્યની સુવિધાઓ નાગરિકોને મળી રહે તે માટે સંસદસભ્ય દ્વારા રૂપિયા 117.38 લાખ, વર્ષ 2021-22માં ધારાસભ્ય ફંડ હેઠળ મળવાપાત્ર થતી ગ્રાંટમાંથી તમામ ધારાસભ્યઓ દ્વારા કુલ 68 કામો માટે રૂપિયા 490.40 લાખની ગ્રાંટ ફાળવવામાં આવી છે. તદ્ઉપરાંત DMF જોગવાઈ હેઠળ રૂપિયા 51 લાખની ગ્રાંટ એમ કુલ રૂપિયા 658.78 લાખની ગ્રાંટ આરોગ્યની સુવિધાઓ જેવી કે, ઓક્સિજન પ્લાન્ટ, તબીબી સાધનો, એમ્યુલન્સ વાન, ઓક્સિજન કોન્સનટ્રેટર ( Oxygen concentrator )માટે ફાળવવામાં આવ્યા છે.
તાલુકા કક્ષાની જોગવાઈઓમાં 67 ટકા કામો પૂર્ણ થયા
મહેસૂલ પ્રધાને વધુમાં ઉમેર્યું કે, વર્ષ 2020-21ના વિકેંન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ થયેલા કામોની સમીક્ષા કરી હતી. જેમાં તાલુકા કક્ષાની જોગવાઈઓમાં 67 ટકા કામો પૂર્ણ થયા છે. નગરપાલિકા જોગવાઈમાં 70 ટકા, જિલ્લા વહીવટીતંત્રે, જિલ્લા કક્ષાની જોગવાઈમાં અનુક્રમે 35 અને 56 ટકા કામો પૂર્ણ થયેલ છે જ્યારે એટીવીટી જોગવાઈમાં 66 ટકા કામ પૂર્ણ થયા છે તેમજ બાકી રહેલ કામો ટુંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેમ તેમણે કહ્યું હતું.