ગાંધીનગર: તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં પ્રમુખ અને ઉપપ્રમુખ ભાજપના કાર્યરત છે. ત્યારે આગામી 9મી સપ્ટેમ્બરે તાલુકા પંચાયતના અઢી વર્ષની મુદત પૂર્ણ થતી હોય પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે. ચૂંટણીના પરિણામથી જ ભાજપ લઘુમતીમાં છે, જ્યારે કોંગ્રેસ બહુમતીમાં છે. ત્યારે સત્તા બચાવવા માટે ભાજપના સભ્યો આબુમાં પહોંચ્યા છે. જ્યારે સત્તા મેળવવા માટે કોંગ્રેસના સભ્યો ઉદેપુરના રિસોર્ટમાં પહોંચ્યા છે. તાલુકા પંચાયતની સત્તા માટે રિસોર્ટ પોલિટિક્સ શરૂ થઈ ગયું છે.
રાજ્યમાં મતદારનું જનાદેશ કોંગ્રેસને મળ્યા બાદ તેમના સભ્યો આરામથી ભાજપના ખેમામાં જઈને પલોઠી વાળીને બેસી જતા હોય છે. તેવી જ રીતે ગાંધીનગર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા કોંગ્રેસના 6 સભ્યો ભાજપમાં બેસી ગયા હતા અને ગેરહાજર રહ્યા હતા. તે સમયે ભાજપના પ્રમુખ, ઉપપ્રમુખ ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ માત્ર ચેરમેનનું પદ કોંગ્રેસને મળ્યું છે. ત્યારે હવે સમગ્ર તાલુકા પંચાયત કોંગ્રેસ દ્વારા રિસોર્ટ પોલિટિક્સ અપનાવવામાં આવ્યું છે. જેને લઇને ભાજપ અને કોંગ્રેસના સભ્ય રવિવારે રાજસ્થાનના પ્રવાસે ઉપડી ગયા હતા. જે હવે 9મી સપ્ટેમ્બરના રોજ સીધા જ તાલુકા પંચાયત કચેરીએ પહોંચશે.
સત્તા બચાવવા ભાજપના સભ્યો આબુમાં રોકાયા
તાલુકા પંચાયતમાં ભાજપ પાસે પોતાના 15 સભ્ય બે અપક્ષ અને એક કોંગ્રેસના સભ્યનું ખુલ્લુ સમર્થન છે. ત્યારે 18 સભ્ય પોતાની પાસે છે. જ્યારે કોંગ્રેસ પાસે પણ પોતાના ચૂંટાયેલા 17 અને એક અપક્ષ મળી 18 સભ્ય થાય છે. આ સ્થિતિમાં ભાજપનો એક પણ સભ્ય કોંગ્રેસ પાસે ના જાય તે માટે આબુમાં આવેલા યસ રિસોર્ટમાં ભાજપના સભ્યો રોકાયા છે.
કોંગ્રેસના સભ્યો ઉદયપુરના રાજતિલક રિસોર્ટમા રોકાયા
તાલુકા પંચાયતમાં હાલની સ્થિતિમાં કોંગ્રેસની તંદુરસ્ત પરિસ્થિતિ છે. પરંતુ કોંગ્રેસના સભ્ય હંમેશા પાટલી બદલતા હોય છે. તેને લઈને તાલુકા પંચાયતના તમામ સદસ્યો રાજસ્થાનના પ્રવાસે નીકળી ગયા છે, તે પણ 9મી સપ્ટેમ્બરના રોજ સવારે ગાંધીનગર પહોંચી છે. ત્યારે કોંગ્રેસના તમામ સભ્યો ઉદેપુરના રાજતિલક પેલેસમાં રોકાયા છે.
હાલમાં તાલુકા પંચાયતની સ્થિતિ 18 કોંગ્રેસ, 15 ભાજપ, 3 અપક્ષ
ગાંધીનગર તાલુકા પંચાયતના મેન્ડેટ પ્રમાણે સ્થિતિ જોવા જઈએ તો કોંગ્રેસના 18 સભ્યો ચૂંટાયા હતા. જ્યારે ભાજપના મેન્ડેટ ઉપર 15 સભ્યો ચૂંટાયા હતા જ્યારે ત્રણ સભ્યો અપક્ષ ચૂંટાયા હતા. જેમાં રાધેજા બેઠક પર ચૂંટાયેલા રસિકજી ઠાકોર કોંગ્રેસ સાથે બેઠા હતા. જ્યારે અન્ય દોલારાણા વાસના અને વાવોલ બેઠક ઉપર ચૂંટાયેલા સદસ્યોએ ભાજપને સમર્થન આપ્યું હતું.
ગાંધીનગર તાલુકા પંચાયતની સત્તા મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને કાવાદાવા રચી રહ્યા છે. બંને પક્ષ પોતાની પાસે સત્તા આવશે, તેવું પણ જણાવી રહ્યા છે. તેવા સમયે સમગ્ર પરિણામ 9મી સપ્ટેમ્બરના રોજ ખરો ખેલ ચાલુ થાય ત્યારબાદ જ ખબર પડી શકે છે. કારણ કે, ભાજપ અને કોંગ્રેસ બંને શબ્દોમાં કેટલાંક ગેરહાજર હોય તેઓ સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે. તેને લઈને હવે જોવાનું એ રહે છે કે, અઢી વર્ષની સત્તા કોની પાસે રહે છે. ભાજપ સત્તા જાળવી રાખવામાં સફળ થાય છે કે, કોંગ્રેસ અઢી વર્ષ ગુમાવ્યા સાથે સત્તા મેળવવામાં સફળ સાબિત થાય છે.