ગાંધીનગર ; ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર ઈસ્યૂ કરીને ગુજરાતના તમામ વિભાગોને વોડાફોન અને આઈડિયાના મોબાઈલ ફોનના તારીખ 31 મે, 2023 સુધીના બીલો સત્વરે ભરપાઈ થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે. અને હવે પછી રિલાયન્સ જીઓના સીમ કાર્ડ એક્ટિવ કરવા માટેની રજૂઆત કરી છે.
રિલાયન્સ સાથે રેટ કોન્ટ્રેકટ થયો : પરિપત્રમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર અને રિલાયન્સ જીઓ વચ્ચે સરકારી અધિકારીઓ, પદાધિકારીઓ, બોર્ડ કોર્પોરેશન, સ્વાયત સંસ્થાઓના અધિકારીઓના મોબાઈલ ફોન સવિધા પુરી પાડવા બાબતનો રેટ કોન્ટ્રાકેટ અંગેની આનુષંગિક પ્રક્રિયા પૂર્ણ થઈ છે.
સરકારી 16 વિભાગોમાં પાઠવ્યો પરિપત્ર : ગુજરાત સરકારના વહીવટ વિભાગે 16 જેટલા વિભાગોમાં પરિપત્ર પાઠવ્યો છે અને ઝડપથી આ કાર્યવાહી પૂર્ણ કરવા જણાવ્યું છે. રાજ્ય સરકારના તમામ વિભાગોના હજારો કર્મચારીઓના મોબાઈલ ફોનમાં જીઓનું સિમકાર્ડ એક્ટિવ થશે.
સિમકાર્ડ બદલાશે, નંબર નહી : અત્રે ઉલ્લેખનીય છે કે મોબાઈલ સિમકાર્ડ માટે કંપની બદલાશે, પણ મોબાઈલ નંબર બદલાશે નહી. જે મુદ્દે અલગ અલગ ચાર્જ સહિતનો પરિપત્ર બહાર પાડ્યો છે. જિઓનો નંબર યુઝ કરવા માટે તમામ સરકારી કર્મચારીઓને જાણ કરી છે, અને તે મુજબ 37.50 રૂપિયા મહિનાના રેન્ટલ પર જિઓનો સીયુજી પ્લાન લેવા માટે કંપની સાથે વાતચીત થઈ ગઈ છે. અને તે જ પ્લાન દરેકે લેવાનો રહેશે. જેમાં 60 સેકન્ડનો પલ્સ રેટ રહેશે. કોઈપણ મોબાઈલ કે લેન્ડલાઈન પર ફ્રી કૉલીંગ અને 3 હજાર SMS ફ્રી થશે. ત્યાર પછી પ્રતિ SMSના 50 પૈસા ચાર્જ લાગશે. આ સિવાય આંતરરાષ્ટ્રીય SMSનો ચાર્જ રૂપિયા 1.25 લાગશે.
4જી ડેટા માટે અલગઅલગ રેટ : રિલાયન્સ જીઓના સિમ કાર્ડમાં 4જી ડેટા રૂપિયા 25થી લઈને જીઓ સાથે થયેલી સમજૂતિ મુજબ સરકારી કર્મચારીઓને પ્રતિ મહિને 30 જીબી ડેટા વાપરવા મળશે. જે પ્લાનમાં એડ કરવા માટે દરેક કર્મચારીઓ રૂપિયા 25 ખર્ચવા પડશે. આ સિવાય 60 જીબીનો ડેટા વાપરવો હોય તો રૂપિયા 62.50નો પ્લાન એડ કરવાનો રહેશે. જો અનલિમિટેડ ડેટાનો પ્લાન લેવો હોય તો કર્મચારીઓએ માસિક રૂપિયા 125નો પ્લાન એડ કરવો પડશે.
શા માટે સિમ કાર્ડ બદલ્યા : ગુજરાત સરકારના તમામ કર્મચારીઓ વોડાફોન અને આઈડિયાના બિલ ભરાઈ જશે પછી જૂન મહિનાથી જ રિલાયન્સ જીઓ સિમકાર્ડ વાપરતા થઈ જશે. જો કે આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો તે અંગે કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી.