ગાંધીનગર : દેશમાં હવે તહેવારો અને દિવાળીના તહેવાર ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે ટૂરિઝમ ક્ષેત્ર વધુમાં વધુ પ્રવાસીઓ ફરવા આવે, સારી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ટૂર એન્ડ ટ્રાવેલ્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર દેશનું સૌથી યુનિક ટૂરિસ્ટ સ્પોટ એવા રામોજી ફિલ્મ સિટીએ પણ ભાગ લીધો હતો. રામોજી ફિલ્મ સિટી સ્ટોલ પર સવારથી જ મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી હતી.
રામોજી ફિલ્મ સિટી એક બ્રાન્ડઃ આ ટ્રાવેલ એન્ડ ટૂરીઝમ ફેરમાં અનેક રાજ્યના ટૂરિઝમ વિભાગ અને અનેક ખાનગી કંપનીઓ જોડાઈ હતી. રામોજી ફિલ્મ સિટી દ્વારા પણ ટૂરિઝમ અને હોસ્પટાલિટી સંદર્ભે આ એક્સપોમાં ભાગ લીધો હતો.
રામોજી ફિલ્મ સિટી આ નામ જ એક બ્રાન્ડ છે, રામોજી ફિલ્મ સિટી એ વિશ્વની સૌથી મોટી ફિલ્મ સિટી છે, જે 2000 એકર વિસ્તારમાં ફેલાયેલી છે. જે ભારત દેશનું યુનિક ટૂરિસ્ટ સ્પોટ છે, બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ રામોજી ફિલ્મ સિટીને સ્થાન મળ્યું છે...સંદીપ વાઘમારે(ચીફ મેનેજર માર્કેટિંગ, રામોજી ફિલ્મ સિટી)
રામોજી ફિલ્મ સિટીના આકર્ષણઃ આ પરિસરમાં તારા, સીતારા જેવી ચાર હોટલો છે. જેમાં 3 સ્ટારથી લઈને 7 સ્ટાર સુધીની હોટલો છે. અહીં એફોરડેબલ બજેટમાં રોકાઈ શકાય છે. અહીં આવતા તમામ પ્રવાસીઓ માટે રહેવા ફરવા, જમવાનીની તમામ વ્યવસ્થાઓ એક જ સ્થળ ઉપર મળી રહે છે. ભારતની મોટી ફિલ્મોનું શુટિંગ પણ રામોજી ફિલ્મ સિટીમાં થાય છે.
પ્રવાસન વિભાગના પ્રધાને લીધી મુલાકાતઃ રાજ્યના ટૂરિઝમ વિભાગના કેબિનેટ પ્રધાન મુળુભાઇ બેરા, ટૂરિઝમ વિભાગના સચિવ હરિત શુક્લા અને ગુજરાત ટૂરિઝમના એમ. ડી. સૌરભ પારધીએ રામોજી ફિલ્મ સીટીના સ્ટોલની મુલાકાત લીધી હતી. રામોજી ફિલ્મ સીટી વિશે વધુ માહિતી પ્રાપ્ત કરી હતી.
રામોજી ફિલ્મ સિટીમાં મે ભૂતકાળમાં મુલાકાત કરી હતી જે મારી અને મારા જીવનની ખૂબ જ અદભુત અને યાદગાર મુલાકાત રહી હતી. ટ્રાવેલ એન્ડ ટૂરીઝમ ફેર-2023 ગુજરાત અને પડોશી રાજ્યોના 7,000થી વધુ ટૂર ઓપરેટર્સ અને ટ્રાવેલ એજન્ટસને આકર્ષી રહ્યું છે...મુળુભાઇ બેરા(કેબિનેટ પ્રધાન, પ્રવાસન વિભાગ)
સફળ રહ્યો એક્સપોઃ ટીટીએફ 2023માં 15 દેશ અને ભારતના 24 રાજ્યોમાંથી 800થી વધુ એક્ઝિબીટર્સ સામેલ થયા છે. આ ફેરના પાર્ટનર સ્ટેટમાં બિહાર, ગોવા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરાલા, મધ્ય પ્રદેશ, ઓડીશા, રાજસ્થાન, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દિલ્હી, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, મેઘાલય અને પંજાબ તથા તામિલ નાડુ ફીચર સ્ટેટ તરીકે સામેલ થયા છે.