દહેગામ તાલુકામાં આવેલા ભોઈ વડોદરા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી મહિલા શિક્ષિકાઓ છેલ્લા દોઢ મહિનાથી હેરાન પરેશાન થઈ છે. ગામના અસામાજિક તત્વો દ્વારા શિક્ષિકાઓને છેડતી કરી આબરૂ લેવાનો પ્રયાસ પણ કરવામાં આવશે તેવી દહેશત સેવાઈ રહી છે. આ બાબતે મહિલા આચાર્ય દ્વારા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિતને રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે ગામના કેટલાક અસામાજિક તત્વો દ્વારા શાળાને તાળાબંધી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેના મેસેજ મહિલા શિક્ષિકાને મળ્યા હતાં. આ મેસેજ બાદ મહિલા શિક્ષિકાઓ પોલીસ રક્ષણ સાથે ફરજ પર પહોંચ્યા હતાં.
15મી ઓગસ્ટના રોજ ગ્રામ પંચાયતના સદસ્યના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ આયોજિત કર્યો હતો. પરંતુ, સદસ્ય મોડા પહોંચતા અન્ય આગેવાનોના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ગ્રામ પંચાયતના સદસ્યો દ્વારા કેફી પીણુ પી ને ધમાલ કરવામાં આવી હતી અને મહિલા આચાર્ય સાથે કિન્નાખોરી રાખી ગ્રામજનોને પડકાર્યા હતાં. આચાર્ય દ્વારા યોગ્ય શિક્ષણ આપવામાં આવતું નથી તેવી રજુઆતો કરવામાં આવી હતી. આ બાબતે સ્થાનિક ધારાસભ્ય સહિતના આગેવાનોએ જિલ્લા શિક્ષણાધિકારીને પણ રજૂઆત કરી હતી કે, મહિલા આચાર્ય સામે કરવામાં આવેલી ફરિયાદ ખોટી છે. મહિલા આચાર્ય પોતાની કામગીરી સારી રીતે બજાવી રહ્યા છે. મહિલા આચાર્ય સાથે હુમલો કરવામાં આવશે તેવી દહેશતના કારણે તેઓ પોલીસ રક્ષણ સાથે ફરજ પર ગયા હતાં.
બીજી તરફ સબ સલામતના ગાણા ગાતી સરકારમાં ગુજરાતના ભવિષ્યને બનાવવાની કામગીરી કરતી સરકારી શાળાની શિક્ષિકાઓ પણ સુરક્ષિત નથી. ગ્રામ પંચાયતના સદસ્ય બનીને લુખ્ખાગીરી કરતા તત્વો સામે કામગીરી કરવામાં પોલીસ અને સરકાર પણ ક્યાંકને ક્યાંક નિષ્ફળ થઇ છે. હાલ તો પોલીસ રક્ષણ સાથે મહિલા શિક્ષિકા ફરજ બજાવી રહ્યા છે.