ગાંધીનગર: ગુજરાતમાં તમામ નાગરિકો, ઉદ્યોગો અને ખેડૂતોને 24 કલાક વીજળીની સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે તેવા પ્રયત્ન કરતી હોવાનું વારંવાર જણાવતી સરકાર કેવી બેમોંઢાળી છે તે ગુજરાત વિધાનસભામાં જ સામે આવી રહ્યું છે. બજેટ સત્ર 2023ના આજના દિવસે સરકારે સ્વીકાર્યું છે કે રાજ્ય સરકારના વીજ પ્લાન્ટ પૂરતા પ્રમાણમાં વીજળી ઉત્પન્ન નથી કરી શકતા. જેથી સરકારને વીજળીની માંગ પુરી કરવા માટે ખાનગી કંપનીઓ પાસેથી વીજળી ખરીદી કરવાની જરૂર પડી છે. રાજ્ય સરકારે વર્ષ 2021માં 30,597 મિલિયન યુનિટ અને વર્ષ 2022માં 39,664 મિલિયન યુનિટ વીજળી ખરીદવામાં આવી હોવાનું વિધાનસભા ગૃહમાં સામે આવ્યું છે.
કરોડો રૂપિયાની વીજ ખરીદી કરવામાં આવી : ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સરકારી અને ખાનગી વીજ કંપનીના ઉત્પાદન ક્ષમતા બાબતનો પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે વર્ષ વાર 2021માં 91,488 અને વર્ષ 2022માં 1,10,839 મિલિયન વીજ યુનિટનું ઉત્પાદન થયું હોવાનું જણાવ્યું હતું. સરકારે ખાનગી કંપની પાસેથી કુલ 39,664 મિલિયન યુનિટ વીજળી સરેરાશ 3.97 થી 5.25 પ્રતિ યુનિટ થી ખરીદી જેમાં 2 વર્ષમાં 33,084.89 કરોડ જેટલી રકમ ખાનગી વીજ ઉત્પાદકોને ચૂકવી હોવાનું ગૃહમાં સામે આવ્યું છે.
સરકારી વીજ ઉત્પાદનમાં વધારો નહી : ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ રાજ્યમાં સરકારી વીજ મથકોની ઉત્પાદન ક્ષમતા બાબતે પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારના હસ્તક વીજમથકોની 8500 મેગા વોટ ક્ષમતા, કેન્દ્ર સરકાર હસ્તકના મથકોમાં રાજ્ય સરકારના હિસ્સાની 7053 મેગા વોટ અને ખાનગી સાહસો તથા પીપીપી ધોરણે 5561 મેગા વોટ ક્ષમતા છે. જ્યારે પરંપરાગત સ્ત્રોતની 21,14 મેગા વોટ અને બિનપરંપરાગત સ્ત્રોતની 8272 મેગા વોટની વીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. જેની સામે બે વર્ષમાં રાજ્ય સરકારના હસ્તક અને રાજ્ય સરકારના જાહેર સાહસોમાં વીજ ઉત્પાદન ક્ષમતામાં કોઈ જ વધારો ન થયો હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસે એવા પણ આક્ષેપ કર્યા હતા કે રાજ્યમાં માત્રને માત્ર અદાણી, એસ્સાર અને સૌર ઉર્જાની ઉત્પાદન ક્ષમતામાં જ વધારો થયો છે.
સોલાર ઉર્જા પણ ખાનગી ઉત્પાદકો પાસેથી ખરીદવામાં આવી : વિધાનસભા ગૃહમાં ગુલાબસિંહ ચૌહાણ કે જેઓ લૂણાવાડાના ધારાસભ્ય છે તેઓએ બિન પરંપરાગત ઉર્જા 2019ની સોલાર પાવર પોલીસી અંતર્ગત છેલ્લા બે વર્ષમાં કેટલા ખાનગી ઉત્પાદક પાસેથી કેટલા યુનિટ વીજળી કયા ભાવે ખરીદવામાં આવી તેનો પ્રશ્ન કર્યો હતો. જેમાં જણાવાયું કે 31 ડિસેમ્બર 2022 ની સ્થિતિએ રાજ્ય સરકાર દ્વારા કુલ 60 જેટલા ખાનગી વીજ ઉત્પાદકો પાસેથી કુલ 2346 મિલિયન યુનિટ વીજળી ખરીદવામાં આવી છે. જેમાં સરકારે 13.41 પ્રતિ યુનિટ 1160 મિલિયન વીજ યુનિટ 2021માં અને વર્ષ 2022માં 13.40 રૂપિયા પ્રતિ યુનિટ ભાવે 1186 મિલિયન યુનિટ વીજળી ખરીદી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો Electricity price rise: બિલ ભરતી વખતે હવે વધારે ચૂકવવાના થશે, મહિને 167.50 કરોડનો બોજ
સરકારે વીજ કંપનીઓને 24,512 કરોડની ચુકવણી કરી : વીજળીની માગને પુરી પાડવા માટે રાજ્ય સરકાર ખાનગી કંપની પાસેથી વીજળીની ખરીદી કરે છે ત્યારે રાજ્ય સરકારે વિવિધ ખાનગી વીજ મથકોને 2021માં 10,454.67 કરોડ અને વર્ષ 2022માં 14,058.08 કરોડ મળીને કુલ 24,512.75 કરોડ જેટલી માતબર રકમ ખાનગી કંપનીઓના વીજ મથકોને ચૂકવી હોવાનું સામે આવ્યું છે.
સરકારી વીજમથકો 50 ટકા ક્ષમતાથી કાર્યરત : કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કરેલા પ્રશ્નમાં રાજ્યમાં આવેલ વીજ પ્લાન્ટની ઉત્પાદક ક્ષમતા બાબતે સરકારે જવાબ આપ્યો હતો. જેમાં જણાવાયું કે સિક્કા થર્મલ પાવર પ્લાન્ટ, ઉત્રાણ ગેસ પાવર પ્લાન્ટ, ધુવારણ પ્લાન્ટ, ગુજરાત સ્ટેટ એનર્જીનેશન કંપની હજીરા, ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપનીનું ઉત્પાદન 00 આવ્યું છે. જ્યારે રાજ્ય સરકાર હસ્તકના અન્ય પ્લાન્ટો 50 ટકાની ક્ષમતાએ ચલાવવામાં આવતા હોવાનું ગૃહમાં સામે આવ્યું છે. જ્યારે ટોરેન્ટ પાવરની 362 મેગા વોટની ક્ષમતા છે, 312 મેગા વોટની ક્ષમતા 86 ટકાની ક્ષમતાએ પોતાનો પ્લાન્ટ ચલાવે છે. આમ સરકારી પ્લાન્ટ પૂર્ણપણે ચાલી શકે તેવા સક્ષમ પ્લાન્ટ હોવા છતાં રાજ્ય સરકાર ખાનગી વીજ ઉત્પાદકોને ફાયદો કરાવવા અને ખાનગી ઉત્પાદકોની વીજળી ખરીદવા માટે સરકારી પાવર પ્લાન્ટ ચલાવતી ન હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસે કર્યો હતો.