ગાંધીનગર: વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષે ચૂંટણી ઢંઢેરામાં PMJAY કાર્ડમાં 10 લાખની મર્યાદાની જાહેરાત કરી હતી. જેમાં આજે રાજયના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજયેલ બેઠકમાં PMJAY કાર્ડની મર્યાદા 10 લાખ કરી હોવાની જાહેરાત રાજ્યના આરોગ્ય અને પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે કરી હતી. દસ લાખની મર્યાદા થતાં રાજ્ય સરકારને 3500થી 3800 કરોડ સુધીનો ક્લેઈમ ચૂકવવો પડશે તેવું રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
ઋષિકેશ પટેલે કરી જાહેરાત: રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કેબિનેટ બેઠક બાદ પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે PMJAY કાર્ડ બાબતે જણાવ્યું હતું કે ગુજરાતમાં 11 જુલાઈથી રાજ્યના નાગરિકોને 10 લાખ સુધીનો આરોગ્ય વીમા કવચ છે તે મળવાનું શરૂ થઈ જશે. ગુજરાતમાં વર્ષ 2018થી અત્યાર સુધીમાં આ યોજના હેઠળ કુલ 1 કરોડ 78 લાખ લાભાર્થીઓએ આયુષ્યમાન કાર્ડ કઢાવીને આરોગ્ય વીમા કવચનો લાભ મેળવ્યો છે. હાલ ગુજરાતમાં 2045 સરકારી અને 795 ખાનગી મળીને કુલ 2840 જેટલી હોસ્પિટલમાં PMJAY કાર્ડમાં સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં રાજ્ય સરકારે 8081 કરોડના રકમના દાવા નોંધણી સાથે સમગ્ર દેશમાં ગુજરાત બીજા ક્રમાંકે છે.
જુલાઈથી 10 લાખની સહાય મર્યાદા શરૂ: ગુજરાતમાં PMJAY કાર્ડ ની 10 લાખ રૂપિયા સહાય કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, ઇન્સ્યોરન્સ પોલિસીને ધ્યાનમાં લઈએ તો 30 જૂનના દિવસે ઇન્સ્યોરન્સ પોલિસી પૂર્ણ થાય છે. હવે 11 જુલાઈથી ગુજરાતના તમામ PMJAY કાર્ડ ધારકોને 10 લાખ રૂપિયાની સહાયની યોજના લાગુ કરવામાં આવશે. આમ 11 જુલાઈ 2023 થી PMJAY કાર્ડની 10 લાખની સહાય શરૂ કરવામાં આવશે.
PMJAY કાર્ડમાં કેટલી સારવારનું નિદાન: રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે PMJAY કાર્ડમાં કિડની, કેન્સર, હૃદય રોગ, ઓર્થોપેડિક, ની રિપ્લેસમેન્ટ, સહિત લગભગ 2711 જેટલી સારવાર સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવે છે. આ સારવારમાં દર્દીએ એક પણ રૂપિયાનો ખર્ચ કરવો પડતો નથી, જ્યારે હોસ્પિટલમાંથી દર્દીને સારવાર બાદ રજા આપવામાં આવે છે ત્યારે જે તે હોસ્પિટલ દ્વારા ઘરે પહોંચાડવાની વ્યવસ્થા અથવા તો રોકડ સહાયની વ્યવસ્થા આ કાર્ડમાં કરવામાં આવી છે.
"ગુજરાત વિધાનસભાની વર્ષ 2020ની ચૂંટણી પૂર્ણ થયા બાદ ડિસેમ્બરથી 15 એપ્રિલ સુધીમાં ગુજરાતમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્યમાં 778.47 કરોડના દાવાની ચુકવણી કરવામાં આવી છે, જ્યારે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ગુજરાતમાં 36 લાખથી વધુ દાવાઓ મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં કોઈ 7,374 કરોડ રૂપિયાની રકમ ચૂકવવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં હાલની પરિસ્થિતિમાં 1.80 કરોડ થી વધુ PMJAY કાર્ડ ધારકો છે. જ્યારે હોસ્પિટલની વાત કરવામાં આવે તો 756 ખાનગી હોસ્પિટલ અને 1991 સરકારી હોસ્પિટલમાં PMJAY કાર્ડ પર સારવાર કરાવવાની સુવિધા ઉપલબ્ધ છે. આ કાર્ડમાં ગુજરાતની આજુબાજુના રાજ્યના દર્દીઓ ગુજરાતમાં સારવાર અર્થે લાભ મેળવ્યો છે." - ઋષિકેશ પટેલ, આરોગ્ય પ્રધાન
PMJAY કાર્ડ અભિયાન શરૂ કર્યું: સમગ્ર દેશમાં ગુજરાત PMJAY કાર્ડમાં ત્રીજા નંબરે છે. હાલમાં કુલ 1,80,26,555 કાર્ડ ધારકો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા તમામ ધારાસભ્યોને પોતાના મત વિસ્તારમાં સરકારી યોજનાઓ ઉપરાંત વધુમાં વધુ લોકો PMJAY કાર્ડ મેળવે તેને ધ્યાનમાં લઈને તમામ ધારાસભ્યોએ ખાસ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ધારાસભ્યો પોતાના વિસ્તારમાં જરૂરિયાત લોકોને PMJAY કાર્ડ મેળવવા મદદ કરી રહ્યા છે.