રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે તારીખ 27મી જુલાઈએ રાજકોટમાં રૂપિયા 2033 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરીને રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓને વિકાસકાર્યોની ભેટ આપશે. જેમાં હિરાસર પાસે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજનાની લિન્ક-3ના પેકેજ 8 તથા 9, રાજકોટમાં સૌરાષ્ટ્રના પ્રથમ મલ્ટિલેવલ ઓવરબ્રિજ સહિતના વિવિધ વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણ કરશે.
એરપોર્ટનું લોકર્પણઃ તેઓ ટર્મિનલ બિલ્ડિંગ ખાતેથી રૂપિયા 1405 કરોડના ખર્ચે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કરીને જનતાને સમર્પિત કરશે. વડાપ્રધાન આ એરપોર્ટના રન વે, ટર્મિનલ સહિતની કામગીરીનું નિરિક્ષણ પણ કરશે. બાદમાં તેઓ રાજકોટમાં રેસકોર્સ ખાતે જનસભામાં પધારશે. જ્યાં તેમના અધ્યક્ષસ્થાને લોકાર્પણ કાર્યક્રમનો પ્રારંભ થશે. રેસકોર્સ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂપિયા 394 કરોડના ખર્ચે સંપન્ન સૌની યોજનાની લિન્ક 3ના પેકેજ પેકેજ-8 અને 9, તેમજ રાજકોટમાં રૂપિયા 129.53 કરોડના ખર્ચે કે.કે.વી. ચોક પર બનાવાયેલા સૌરાષ્ટ્રના સૌ પ્રથમ મલ્ટિલેવલ ફ્લાયઓવર બ્રિજનું રિમોટ કંટ્રોલથી ઈ-લોકાર્પણ કરશે.
ફિલ્ટલ પ્લાનટ તૈયારઃ આ ઉપરાંત રૂપિયા 41.71 કરોડના ખર્ચે સંપન્ન ન્યારી ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધીની 1219 ડાયામીટરની પાણીની પાઈપલાઈન, વોર્ડ-૧માં રૈયાધારમાં રૂપિયા 29.73 કરોડના ખર્ચે સંપન્ન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોર્ડ-18માં કોઠારિયામાં 15 એમ.એલ.ડી. ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા વોર્ડ-6માં ગોવિંદ બાગ પાસે રૂપિયા 8.38 કરોડના ખર્ચે નિર્મિત લાઈબ્રેરીનું પણ તેઓ રિમોટથી લોકાર્પણ કરીને જનતાને સમર્પિત કરશે. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનતાને સંબોધિત કરશે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય નાગરિક ઉડ્ડ્યન મંત્રીશ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ જનતાને સંબોધિત કરશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડ્યન રાજ્યમંત્રી ડૉ. વી.કે.સિંહ પણ ઉપસ્થિત રહેશે.
મહેમાનોની યાદીઃ આ કાર્યક્રમમાં નવસારીના સાંસદ સી.આર. પાટીલ, ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂત, સામાજિક ન્યાય અધિકારિતા પ્રધાન ભાનુબહેન બાબરિયા, કૃષિપ્રધાન રાઘવજીભાઈ પટેલ, પાણી પૂરવઠા પ્રધાન કુંવરજીભાઈ બાવળિયા, વન પર્યાવરણ રાજ્ય પ્રધાન મુકેશભાઈ પટેલ, સહકાર રાજ્ય પ્રધાન જગદીશભાઈ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે રાજકોટના મેયર ડૉ. પ્રદીપભાઈ ડવ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, સાંસદો સર્વશ્રી રમેશભાઈ ધડૂક, મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરિયા ઉપસ્થિત રહેશે. જ્યારે ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ, ડૉ. દર્શિતાબહેન શાહ, રમેશભાઈ ટીલાળા, ગીતાબા જાડેજા, જયેશભાઈ રાદડિયા, મહેન્દ્રભાઈ પાડલિયા, જીતુભાઈ સોમાણી, દુર્લભજીભાઈ દેથરિયા, શામજીભાઈ ચૌહાણ વગેરે ઉપસ્થિત રહેશે.