ગુજરાતમાં કેવડિયા કોલોની ખાતે 1 હજાર સાધુ સંતોની હાજરીમાં વિવિધ પ્રકારના યોગાસનો કરવામાં આવ્યા હતા. ત્યારે ગાંધીનગરના ચિલોડા પાસે આવેલા આર્મી કેમ્પમાં સરહદ પર સુરક્ષા પૂરી પાડતા જવાનો દ્વારા યોગાસનો કરવામાં આવ્યા હતા. જેમાં આર્મીના અધિકારીઓ તેમના પરિવારજનો અને રાજ્યના અલગ-અલગ જિલ્લામાંથી આવેલા NCC કેડેટ્સે ભાગ લીધો હતો.
ગુજરાતમાં તમામ ધાર્મિક, શૈક્ષણિક, સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હોંશેહોંશે યોગ દિવસ નિમિત્તે શરીરને તંદુરસ્ત રાખે તેવા પ્રાણાયામ અને યોગાસનો કરવામાં આવ્યા હતા. ચિલોડા પાસે આવેલા આર્મી કેમ્પમાં પરબત અલી બ્રિગેડ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આર્મી કેમ્પમાં વહેલી સવારથી જ દેશની સુરક્ષા પૂરી પાડતા જવાનો યોગાસનો કરવા જોડાઈ ગયા હતા. તેમની સાથે તેમના પરિવારજનો મહિલાઓ અને બાળકો પરંપરાગત યોગ વસ્ત્રોમાં જોડાઈ ગયા હતા.
યોગ દિવસને લઇને આર્મી સ્ટેશન કમાન્ડર સેના મેડલ વિનોદ બાજીયાએ કહ્યું કે, આજે યોગ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વ યોગમય બની ગયું છે. ત્યારે આર્મી કેમ્પના 800 જેટલા જવાનો તેમના પરિવારજનો સાથે યોગ દિવસમાં ભાગ લીધો હતો. આર્મીમાં ફરજ બજાવતા જવાનો ગંભીર અને કટોકટીમાં ફરજ બજાવતા હોય છે. આર્મીના જવાનો કસરત કરતા હોય છે. પરંતુ યોગ કરવાથી ફ્લેક્સિબ્લિટી વધુ જોવા મળે છે, માનસિક શાંતિ મળે છે. જેના પરિણામે જવાનોએ કસરતની સાથે રોજબરોજના જીવનમાં યોગને મહત્વ આપવું જોઈએ. NCC કેડેટ્સ આશુતોષે કહ્યું કે, યોગ કરવાથી શરીર સારું રહે છે, દરેક લોકોએ જીવનને તણાવ મુક્ત બનાવવા માટે યોગનો સહારો લેવો જોઈએ.