વાવોલમાં બળીયાદેવ મંદિર પાસે આવેલા તત્વ બંગ્લોઝમાં મકાન નં-8 ખાતે રહેતાં રમણલાલ જેઠાલાલ પરમાર નિવૃત જીવન ગુજારે છે. તેમનો સૌથી નાનો પુત્ર મુકેશભાઈ પરમાર પાટણ ખાતે એડીશનલ કલેક્ટર તરીકે ફરજ બજાવે છે. 18 ડિસેમ્બરના રોજ સાંજે તેઓ પાટણ ખાતે પુત્રને મળવા માટે ગયા હતા, ત્યારે મંગળવારે સવારે 9 વાગ્યે તેમના પર પાડોશીનો ફોન આવ્યો હતો અને જેમણે ઘરનો દરવાજો ખુલ્લો હોવાનું અને તાળુ તૂટેલું હોવાનું જણાવ્યું હતું.

જેથી તેઓ તાત્કાલિક ઘરે ગાંધીનગર પહોંચીને ઘરે આવતા દરવાજનું ઈન્ટરલોક તૂટેલું હતું. ઘરમાં પ્રથમ માળે બેડરૂમની અંદર રહેલા લાકડાના કબાટ તોડી નાખેલ હતું. ઘરમાં તપાસ કરતાં 2,22,100ની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા 75 હજાર રોકડા ગૂમ હતા. ઘટનાને પગલે સેક્ટર-7 પોલીસને જાણ કરાતા તાત્કાલિક ઘટના સ્થળ પહોંચેલી પોલીસે ફીગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી ઘરની તપાસ કરી હતી. ચોરી અંગે રમણલાલ પરમારની ફરિયાદના આધારે સેક્ટર-7 પોલીસ ચોરીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્વયાહી હાથ ધરી છે. કેસની વધુ તપાસ PI પી. પી. વાઘેલાએ હાથ ધરતા તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.