ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા આજે વન નેશન વન ઇલેક્શન અંતર્ગત પૂર્વ રાષ્ટ્રપતિના અધ્યક્ષ સ્થાને કમિટીની જાહેરાત કરી છે. આજે આખા દેશમાં વન નેશન વન ઇલેક્શનની ચર્ચાઓ થઈ રહી છે. આ દરમિયાન રાજ્ય સરકારના પ્રવકતા પ્રધાન ઋષિકેશ પટેલે વન નેશન વન ઇલેક્શન બાબતે નિવેદન આપ્યું હતું કે જો આવું થાય તો ચૂંટણી પંચના સમય, અધિકારીઓનો સમય અને પૈસાની બચત કરી શકાય છે.
" દેશની અંદર પ્રજામાં પડેલો અવાજ અને રાજકીય પાર્ટીઓમાં જે તે સમયે વન નેશન વન ઇલેક્શનની ચર્ચા થઈ હતી. PM નરેન્દ્ર મોદીએ આ વિચાર ઘણા સમય પહેલા મૂક્યો હતો. આમ સમગ્ર દેશની અંદર એક જ સમયે ઇલેક્શન થાય તો કેટલાય અબજો રૂપિયા ચૂંટણીઓ પાછળ ખર્ચ થાય છે તેનો બચાવ થાય ." - ઋષિકેશ પટેલ, રાજ્ય સરકારના પ્રવકતા પ્રધાન
અધિકારીઓનો સમય બચશે: ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે અલગ અલગ ચૂંટણીના કારણે અધિકારીઓનો પણ ખૂબ સમય બગડે છે. ચૂંટણીની આચારસંહિતા પહેલાથી અધિકારીઓને મતદાર યાદી તૈયાર કરવી, બુથની વ્યવસ્થા કરવી જેમાં અધિકારીઓની ખૂબ મોટો સમય એટલે કે આશરે 6 મહિના જેટલો સમય 5 વર્ષના ઇલેક્શનના સમયગાળા દરમિયાન વ્યતિત થતો હોય છે. જ્યારે અધિકારીઓ ઉપરાંત રાજકીય પાર્ટીઓ રાજકીય નેતાઓ અને સ્થાનિક સ્વરાજના સંસ્થાઓના કાર્યકર્તાઓ પણ ચૂંટણી બાબતે સક્રિય થઈને ચૂંટણીમાં ભાગ લેતા હોય છે જેથી વિકાસની પ્રક્રિયા મંદ પડે છે.
કરોડો રૂપિયાનું નુકસાન: રાજ્ય સરકારના પ્રવકતા પ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે એક રાજ્યની ચૂંટણી પતે ત્યારે દેશની લોકસભાની ચૂંટણી આવે. દેશની ચૂંટણી પૂર્ણ થાય ત્યારે ફરીથી અન્ય રાજ્યની ચૂંટણી શરૂ થાય છે. આમ એકંદરે હજાર કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. અલગ અલગ ચૂંટણીના કારણે અધિકારીઓ પણ વિકાસના કામમાં ધ્યાન ન આપી શકે અને અને તેના કારણે ખૂબ મોટું નુકસાન વિકાસ અને પ્રજાકીય કાર્યમાં થતું હોય છે.
શક્તિસિંહ ગોહિલે શું કહ્યું: રાજ્યસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વન નેશન વન ઇલેક્શન બાબતે નિવેદન આપ્યું હતું કે હાલમાં ભાજપની સરકારનું પૂર્ણ થવા જઈ રહ્યું છે અને ફરીથી સરકાર વધવાની કોઈ ઉમ્મીદ ભાજપને દેખાતી નથી. ત્યારે સાડા નવ વર્ષ બાદ ફક્ત દેખાડો કરવામાં આવી રહ્યું છે તો તેનો શું મતલબ છે ? જ્યારે આ બાબતે કોઈ કોન્ક્રીટ પ્રપોઝલ આવી નથી. જ્યારે આ બાબતે કોઈ કોંગ્રેસ પ્રપોઝલ આવશે ત્યારે તમે આ બાબતે રિએક્ટ કરીશું અને જ્યારે કાર્યકાળ પૂરો થતો હોય અને ચૂંટણીનો માહોલ શરૂ થતો હોય ત્યારે આવું ના કરવું જોઈએ.