ગાંધીનગરઃ ગુજરાત સરકારના પંચાયતી પસંદગી બોર્ડની જાહેર પરીક્ષામાં અગાઉ ધોરણ 12 પાસ ઉમેદવારોને લાયક ગણવામાં આવતા હતા. સરકારે હવે પંચાયત બોર્ડની પરીક્ષામાં સ્નાતક ફરજિયાત કર્યુ છે. જો કે બેરોજગાર યુવાનોમાં આ નિર્ણયના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.
સ્નાતક ફરજિયાતઃ ગુજરાત પંચાયત સેવા મંડળની પરીક્ષામાં હવે નિયમ બદલાયો છે. માત્ર સ્નાતક થયેલા ઉમેદવારો જ પંચાયત મંડળની જાહેર પરીક્ષા આપી શકશે. ઉલ્લેખનીય છે કે આ મંડળની જાહેર પરીક્ષામાં અગાઉ 12 પાસ ઉમેદવારોને લાયક ગણવામાં આવતા હતા. નવા નિયમો અનુસાર હવે ધો.12 પાસ ઉમેદવારો પંચાયત મંડળની જાહેર પરીક્ષા આપી શકશે નહીં. જો કે સરકારના આ નિર્ણયને વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજા સરકારનો અક હિડન એજન્ડા ગણાવી રહ્યા છે.
મોટાભાગે પંચાયતી સેવા પસંદગી મંડળમાં તલાટી, જુનિયર ક્લાર્ક જેવી પરીક્ષાઓ ધો.12 પાસ પર લેવામાં આવતી હતી. હવે સરકારે નિયમ બદલીને ગ્રેજ્યુએશન ફરજિયાત કર્યુ છે. સરકાર દ્વારા લેવામાં આવતી આ પરીક્ષામાં લાખો ઉમેદવારો ફોર્મ ભરતા હતા. જેથી રાજ્યમાં બેરોજગારી બહુ વધી હોય તેવું જાહેર થતું હતું. આ નિર્ણય પાછળ સરકારનો હિડન એજન્ડા એ છે કે બેરોજગારીનો આંકડો નાનો દેખાય. સરકારે આવું કરવાને બદલે હેલ્ધી કોમ્પિટિશન કરવી જોઈએ...યુવરાજ સિંહ જાડેજા(વિદ્યાર્થી નેતા)
સરકારને ટકોરઃ ગત વર્ષે વિધાનસભાની ચૂંટણી વખતે રાજ્ય સરકારે જે મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો. તેમાં બેરોજગાર યુવાનો માટે જે વચનો આપ્યા હતા. તેમાંથી કયા વચનો પૂરા કર્યા, કામગીરી ચાલી રહી છે તે રજૂ કરવા યુવરાજ સિંહ જાડેજાએ રાજ્ય સરકારને ટકોર કરી હતી. મેનિફેસ્ટોમાં વચનો આપીને સરકાર બનાવી લીધા બાદ મેનિફેસ્ટો પ્રમાણે કેટલું કામ થયું તે જાણવાનો પણ પ્રજાનો અધિકાર છે અને સરકારની ફરજ છે. યુવરાજ સિંહ જાડેજાએ સરકારને પોતાની આ ફરજ યાદ અપાવતી ટકોર પણ કરી છે.