ગાંધીનગર: અમરેલી જિલ્લામાં covid-19ને 500 પથારીની નવી હોસ્પિટલ તથા લેબોરેટરીની માંગ સાથે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આંદોલન કરવાની ચિમકી આપી છે, ત્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્યપ્રધાન નીતિન પટેલ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા જ લેબોરેટરી ટેસ્ટ માટેની મંજૂરી આપવામાં આવે છે. જ્યારે અમરેલી જિલ્લામાં લેબોરેટરી માટે ગુજરાત સરકારે જે જગ્યાએ જે ટ્રસ્ટની અંદર કોવિડ-19 હોસ્પિટલ બનાવી છે. તે ટ્રસ્ટને લેબોરેટરી માટે કેન્દ્ર સરકારમાં અરજી કરવા માટેનું સૂચન આપ્યું હતું, પરંતુ લેબોરેટરી માટે ટ્રસ્ટીઓ દ્વારા હજી સુધી કેન્દ્ર સરકારમાં કોઈ રજૂઆત કરવામાં આવી નથી.
જ્યારે અમરેલી જિલ્લાની વર્તમાન પરિસ્થિતિની વાત કરવામાં આવે તો અત્યારે 120 બેડની કોવિડ 19 હોસ્પિટલ તૈયાર જ છે. જેમાં ફક્ત 56 જેટલા જ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે પરેશ ધાનાણીએ વેન્ટિલેટરની પણ માંગ કરી છે. જેના જવાબમાં રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં 25 વેન્ટિલેટર આપવામાં આવ્યા છે. જેમાં ફક્ત એક જ દર્દીને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યો છે અને 24 જેટલા વેન્ટિલેટર ફાજલ પડ્યા છે. આમ અમરેલી જિલ્લા અને રાજ્ય સરકાર કોઇ જ પ્રકારની સુવિધાથી વંચિત રાખતું નથી. જ્યારે પરેશ ધાનાણીએ કરેલા આક્ષેપો પાયાવિહોણા છે.
ઉલ્લેખનીય છે કે, પરેશ ધાનાણીએ અમરેલી જિલ્લામાં 500 બેડની ક્ષમતા ધરાવતી કોવિડ-19 હોસ્પિટલની માંગ કરી છે. હવે જો રાજ્ય સરકાર માંગ સ્વીકારાશે નહીં તો રવિવારે તેઓ આંદોલન કરવાની ચીમકી આપી છે, ત્યારે રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે પણ આ ચીમકીને ધમકી ગણાવીને આંદોલન યોગ્ય નથી, તમામ જિલ્લાને જે સુવિધા મળે છે તે જ સુવિધા અમરેલીને પણ આપવામાં આવી છે, તેવું નિવેદન આપ્યું હતું.