ગાંધીનગરઃ આજે નવા વર્ષના પ્રથમ દિવસે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ પંચદેવ મંદિરથી દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી. મંદિરમાં મુખ્ય પ્રધાને વિશેષ પૂજા-અર્ચનામાં ભાગ લીધો હતો. તેમજ તેમણે સૌને સાથે રાખીને કામ કરવાનો સંકલ્પ કર્યો હતો. પૂજા વિધિ બાદ તેમણે મીડિયા સાથે વાતચીત પણ કરી હતી.
સંવત વર્ષ 2080ની આજથી શરુઆત થાય છે. આ નવા વર્ષની હું સૌ નાગરિકોને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. નવું વર્ષ, નવી આશા, નવા વિચાર અને નવા સંકલ્પ સાથે આપણે સૌ આગળ વધીએ. આવતીકાલે 15મી નવેમ્બર એટલે ભગવાન બીરસા મુંડાની જન્મજયંતિ. આ દિવસને આપણે જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવીએ છીએ. આવતીકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઝારખંડ ખાતેથી સમગ્ર દેશમાં વિક્સિત ભારત સંકલ્પ યાત્રાની શરુઆત થઈ રહી છે. આ યાત્રામાં વધુમાં વધુ લોકો જોડાય તેવી શુભેચ્છાઓ. ફરીથી આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું...ભુપેન્દ્ર પટેલ(મુખ્ય પ્રધાન, ગુજરાત)
મુખ્ય પ્રધાનની પહેલઃ નૂતન વર્ષના પહેલા દિવસે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે નવતર પહેલ શરુ કરી છે. તેઓ ગુજરાતના અલગ અલગ સ્થળોએ 14 જેટલા વૃદ્ધાશ્રમોની શુભેચ્છા મુલાકાત લેશે. મુખ્ય પ્રધાન વૃદ્ધોને મળશે, વાતચીત કરશે તેમજ તેમની સાથે ભોજન પણ લેશે. આપણી સંસ્કૃતિમાં વડીલોના આશીર્વાદનું ખૂબ મહત્વ રહ્યું છે આ લાગણીને માન આપીને મુખ્ય પ્રધાને આ નવતર પહેલની શરુઆત કરી છે. તેઓ માત્ર વૃદ્ધો જ નહીં પરંતુ વૃદ્ધોના પરિવારોને પણ સાથે રાખીને ભોજન લેવાના છે.
અન્ય કાર્યક્રમોઃ કોમ્યુનિટી સેન્ટર ખાતે નૂતન વર્ષાભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય પ્રધાન ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, કાર્યકરો, ગુજરાત સરકારના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ વચ્ચે શુભેચ્છા મુલાકાત પણ થશે. ત્યારબાદ મુખ્ય પ્રધાન અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કરશે. સીનિયર આઈપીએસ અધિકારીઓ સાથે નવા વર્ષની શુભેચ્છા મુલાકાત બાદ તેઓ પોતાની નવતર પહેલ એવી વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો સાથે મુલાકાત અને ભોજન માટે રવાના થશે.
વિક્સિત ભારત સંકલ્પ યાત્રાઃ આવતીકાલે 15મી નવેમ્બરે ભગવાન બીરસા મુંડાની જન્મજયંતિ છે. આ દિવસને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વડા પ્રધાનના નેતૃત્વમાં ઝારખંડથી સમગ્ર દેશમાં વિક્સિત ભારત સંકલ્પ યાત્રાની શરુઆત થઈ રહી છે. ગુજરાતમાં મુખ્ય પ્રધાન અંબાજી ખાતેથી રાજ્ય વ્યાપી વિક્સિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવશે.