ગાંધીનગર: ઉત્તર પ્રદેશના વતની અને મધ્યમ વર્ગમાંથી આવતા ડોક્ટર સુધીર જૈનને શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ 26 જાન્યુઆરીના રોજ પદ્મશ્રી એવોર્ડ આપીને સન્માનિત કરાયા છે. 25 વર્ષ સુધી કાનપુર IITમાં ફરજ બજાવ્યા બાદ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલી IITમાં છેલ્લા દસ વર્ષથી તેઓ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યાં છે.
સુધીર જૈને ભૂકંપ પ્રતિરોધક બિલ્ડિંગ બનાવવામાં મોટા પ્રમાણમાં સંશોધન કર્યું છે. તેમણે ગાંધીનગરથી 10 લોકોને કાનપુર લઈ જઈને ભૂકંપ પ્રતિરોધક બિલ્ડિંગ બનાવવા બાબતે શિક્ષણ આપ્યું હતું.
ડોક્ટર સુધીર જૈને કહ્યું કે, વિદ્યાર્થીઓએ સફળતા માટે ક્યારેય ટૂંકો રસ્તો અપનાવવો જોઈએ નહીં. મોબાઈલમાં સમય બરબાદ કરતા યુવાનોને ડોક્ટર જૈને સંદેશો આપ્યો કે, મોબાઈલનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ. મોબાઈલના સારા અને ખરાબ બંને પરિબળો છે. ત્યારે તેનો યોગ્ય ઉપયોગ કરીને જીવનને શ્રેષ્ઠ ઊંચાઈ સુધી લઈ જવું જોઈએ. સાથે જ શિક્ષણ ક્ષેત્રમાં પણ સુધારા કરવાની તેમણે વાત કરી હતી.