ગાંધીનગર : ગરબાનું સમગ્ર વિશ્વમાં ભારત દેશમાં અને તેમાં પણ સૌથી વધારે ગુજરાતમાં ખૂબ જ મહત્વ છે. તેમાં પણ આઠમના ગરબાનું ખૂબ જ મહત્વ હોય છે. ત્યારે આઠમના દિવસે મહાઆરતી અને મહાભોગ તથા મહાયજ્ઞનું આયોજન પણ અનેક મંડળ તથા આયોજકો દ્વારા કરવામાં આવે છે. ત્યારે ગાંધીનગરના રામકથા મેદાનમાં 51,000 દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવડાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિ બનાવામાં આવી હતી.
51,000 દિવડા અને 3000 કિલોનો મહાપ્રસાદ ધરાયો : કેસરિયા ગરબા મહોત્સવના આયોજક કેતન પટેલે જણાવ્યું હતું કે, આઠમના દિવસે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને એક 51,000 દિવડાથી મહાઆરતી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. જ્યારે આ મહાઆરતીમાં 3000 કિલો મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સમાવેશ : ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગરના રામકથા મેદાન ખાતે આયોજિત કેસરિયા ગરબા મહોત્સવમાં આઠમાં નોરતે 51,000થી વધુ દિવડાની મહાઆરતીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાની અલૌકિક છબીનું નિર્માણ કરાયું હતું. આજની મહાઆરતીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડનમાં સ્થાન અપાયું હતું. ઉપરાંત સાતમા નોરતે ગરબાની સમાપ્તિ બાદ ખુબ ઝડપથી ગરબા ગ્રાઉન્ડમાં સફાઈ કરીને આકૃતિની આકારણી માટે લગભગ 10 કલાકથી વધુ તૈયારીઓ કરવામાં આવી હોવાનું કેતન પટેલ જણાવ્યું હતું.