મળતી માહીતી મુજબ દશેલાથી ધણપ ગામ તરફ જતા રોડ પર આવેલા તળાવમાંથી 29 જુલાઇના રોજ શિહોલી ગામના 21 વર્ષીય પાર્થ જોશીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાને પગલે યુવકના પિતા પ્રફુલકુમાર નટવરલાલ જોશીની ફરિયાદના આધારે ચિલોડા પોલીસે હત્યાનો ગુન્હો નોંધાવ્યો હતો. જે કેસમાં ગાંધીનગર LCB પીઆઇ એન આર પટેલ, ચિલોડા પોલીસે સ્ટેશન પીઆઈ જે. બી. પંડિત સહિત ટીમે તપાસ શરૂ કરી ગણતરીના કલકોમાં જ ધણપ ગામના હિમાલય ઉર્ફે દેવ અશોકભાઈ ઠાકરને દબોચી લીધો હતો. પોલીસે તેના પાસેથી હત્યામાં વપરાયેલી લોખંડની એંગલ કબ્જે કરી હતી.
સામાન્ય પરિવારનો પાર્થ મહુન્દ્રામાં પાણીના પ્લાન્ટમાં નોકરી કરતો હતો. કામથી ઘરે આવેલો પાર્થને આરોપીનો ફોન આવતા જમવાનું અડધું મુકીને તે ગયો હતો.પાર્થ અને આરોપી દેવ બંને જુના મિત્રો જ હતા.પરંતુ એક યુવતી મુદ્દે બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મનદુ:ખ ચાલતું હતું.જે બાદ મિત્રએ જ મિત્રની હત્યા કરી હતી.
મળેલી માહિતી પ્રમાણે આરોપીએ દાવો કર્યો છે કે, મૃતક તેની પ્રેમિકાને હેરાન કરતો હતો અને તેને બ્લેકમેલ કરતો હતો. જે મુદ્દે તેણે તળાવ પાસે તેને મળવા બોલાવ્યો હતો. જેમાં બંને વચ્ચે ઝઘડો થતા પહેલાંથી તૈયારી સાથે આવેલા દેવે પાર્થને માથામાં લોખંડની એંગલ મારી દીધી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં આસપાસ અને મિત્રો પાસેથી પ્રેમપ્રકરણમાં જ યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે પોલીસે મૃતક યુવકની કોલ ડિટેઈલ કઢાવી હતી. જેમાં છેલ્લે આરોપીનો જ ફોન આવ્યો હોવાનું સામે આવતા પોલીસની શંકા સાચી પડી હતી.