ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં છેલ્લા 48 કલાકથી એક પણ કોરોનાનો કેસ સામે આવ્યો નહતો, પરંતુ 48 કલાક બાદ સર્કલ પાસે બનાવવામાં આવેલી કોવિડ ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતી 30 વર્ષીય મહિલા ગાર્ડનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ઉપરાંત વાવોલમાં રહેતી 27 વર્ષીય મહિલા, નાના ચિલોડામાં 29 વર્ષીય સ્ટાફ નર્સ, ભાટમા 79 વર્ષીય પુરુષ અને અડાલજ ત્રિમંદિરમાં 88 વર્ષીય વૃદ્ધા, જ્યારે છાલામાં આઠ મહિનાની બાળકી પણ કોરોનાગ્રસ્ત બન્યાં છે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કોરોનાનો કહેર છેલ્લા 48 કલાકમાં ઓછો થયો હતો. આજે એટલે કે ગુરૂવારે ગાંધીનગર શહેરમાં સર્કલ પાસે બનાવવામાં આવેલી કોવિડ ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતી 30 વર્ષીય યુવતી કોરોનાથી પ્રભાવિત થઈ છે. અગાઉ એક સ્ટાફ નર્સનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો. તેમજ તેની આઠ મહિનાની બાળકી પણ પોઝીટીવ આવી છે. વાવોલમાં કેડિલા ફાર્માસ્યુટિકલ્સમાં ફરજ બજાવતો યુવક પોઝીટીવ આવ્યો હતો. ત્યારે આજે તેની 27 વર્ષીય પત્ની પોઝીટીવ આવી છે.
નાના ચિલોડા નંદીગ્રામમાં રહેતી 29 વર્ષીય સ્ટાફ નર્સ પણ કોરોનાગ્રસ્ત થઈ છે, જે સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં ફરજ બજાવે છે. તેના પતિ પોલીસમાં નોકરી કરે છે. આ સાથે જ તેના ઘરના ત્રણ સભ્યોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે. ભાટ રુદ્રાક્ષ બંગલોઝમાં રહેતાં 79 વર્ષીય વૃદ્ધ પોઝીટીવ આવ્યા છે અને તેમનો પુત્ર ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. જ્યારે અડાલજ ત્રિમંદિરમાં રહેતા 88 વર્ષની વૃદ્ધા પોઝીટીવ આવ્યા છે. જેમણે બ્રેઈન સ્ટ્રોકના કારણે થોડા સમય પહેલા અમદાવાદમાં આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, કોરોના યોદ્ધા કહેવાતા પોલીસ, પત્રકાર, ડોક્ટર અને નર્સ અગાઉ પોઝીટીવ આવ્યા છે. ત્યારે વનવિભાગના મહિલા કર્મચારી જેમની ડ્યુટી સર્કલ પાસે આપવામાં આવી હતી, હવે તે પણ પોઝીટીવ આવ્યા છે. ગાંધીનગર મહાપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા યુવતીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.