ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના 5 કેસ સામે આવ્યા છે, ત્યારે હવે આ રોગને બેકાબૂ બનતા અટકાવવા માટે નાગરિકોની સાવચેતી જ જરૂરી છે. અત્યાર સુધી રાજ્યમાં સ્કૂલ-કૉલેજ, મોલ, સિનેમા અને સ્વિમિંગ પૂલ, સહિત જાહેર જગ્યા પર 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે બે દિવસમાં પાંચ કેસ સામે આવતા રાજ્ય અને આરોગ્ય વિભાગ હચમચી ગયું છે.
આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ કહ્યું કે, વોટરપાર્ક, જિમ્નેશિયમ અને પાર્ટી પ્લોટ પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં જે લગ્ન સમારંભ યોજવાના હોય તેને બંધ રાખવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે. હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા ગલ્ફ દેશના પ્રવાસીઓ સાથે ખાસ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ભારત સરકારના પ્રોટોકોલ મુજબ દેખરેખ રાખવામાં આવી રહી છે.
અમદાવાદમાં ત્રણ કેસ સામે આવ્યા છે. જેમાં એક અમદાવાદની 21 વર્ષીય યુવતી અમેરિકાથી વાયા મુંબઈથી અમદાવાદ આવી હતી,. જ્યારે અન્ય એક 34 વર્ષીય મહિલા જે ફિનલેન્ડથી વાયા દિલ્હીથી અમદાવાદ આવી છે. આ ઉપરાંત વડોદરાના 49 વર્ષીય આધેડે મુંબઈથી આવ્યા છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તમામ લોકો ગુજરાતમાં આવ્યા બાદ જ્યાં જ્યાં ગયા હતા અને જે લોકોને મળ્યા હતા, તે તમામ લોકોનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટ ઉપર ગઈકાલે 559 ટ્રાવેલ આવ્યા હતા, જેમાંથી 63 જેટલા લોકોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, લંડન, અમેરિકા, ફિનલેન્ડ,સ્પેન અને મક્કાથી આવેલા 5 લોકો કોરોનાગ્રસ્ત, 150 સેમ્પલ, 123 નેગેટીવ, 22 બાકી લોકોના રિપોર્ટ બાકી છે.