એક તરફ ગુજરાત શિક્ષણમાં નીચે જઈ રહી છે. ત્યારે ચાલુ ક્લાસમાં જઈને સભ્ય બનાવવાની કામગીરીને લઈને સમગ્ર માણસા શહેરમાં ચર્ચા ચાલી હતી કે, કેવી રીતે ભણશે ગુજરાત અને કેવી રીતે આગળ આવશે ગુજરાત.
ભારતીય જનતા પાર્ટી દ્વારા 20 કરોડ કરતાં વધુ સભ્યોની નોંધણી કરવામાં આવશે, તેઓ આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. કોઈ એક ફેક્ટરીમાં કામ કરતા કામદારોને જે રીતે પ્રોડક્શનનો ટાર્ગેટ આપવામાં આવે છે. તેવી રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા રાજ્યના અને સ્થાનિક લેવલના નેતાઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
જેને પુરો કરવા માટે ભાજપના નેતાઓ કોઈ જગ્યા છોડતા નથી. જ્યાં મળે ત્યાં સદસ્ય અભિયાનમાં સભ્યોની નોંધણી કરવા માટે પહોંચી જાય છે.
માણસા પૂર્વ ધારાસભ્ય અને યુવા મોરચાના ઉપાધ્યક્ષ અમિત ચૌધરી, શહેર ભાજપના યોગેશ પટેલ સહીત ભાજપના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામા માણસામાં આવેલી કોલેજમાં ચાલુ ક્લાસ દરમિયાન સદસ્યતા અભિયાનના પાઠ ભણાવવા પહોંચી ગયા હતા.
વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી ઘડવા માટેના પાઠ ભણવા કોલેજમાં જઈ રહ્યા છે. ત્યારે ચાલુ ક્લાસે વિદ્યાર્થીઓની નોંધણી પણ કરવામાં આવી હતી. ચાલુ ક્લાસ દરમિયાન આ રીતે એક રાજકીય પાર્ટીના સભ્ય બનાવવા તે કેટલું યોગ્ય છે.
અમિત ચૌધરી ધારાસભ્ય રહી ચૂક્યા છે, કોંગ્રેસના મેન્ડેટ ઉપરથી ચૂંટણી લડયા હતા અને વિજય બન્યા હતા. પરંતુ ત્યારબાદ તેમને કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો. જેમાં 2017 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સુરેશ પટેલ સામે તેમની હાર થઈ હતી. ત્યારે સવાલએ છે કે, ધારાસભ્ય જેવુ પદ સંભાળનાર નેતા ચાલુ ક્લાસે રાજકીય પાર્ટીના સભ્યો બનાવવાની કામગીરી કરે તે કેટલુ યોગ્ય છે.
આ બાબતે માણસા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ગિરવતસિંહ ચાવડાએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી મોટી સંખ્યામાં તેમના સભ્યો બનાવી તેમાં કોઈ વાંધો નથી.પરંતુ વિદ્યાર્થીઓના ચાલુ ક્લાસ દરમિયાન આ પ્રકારની કામગીરી ન કરવી જોઈએ. આ બાબતે શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને શિક્ષણ પ્રધાનને પણ રજૂઆત કરવામાં આવશે.